Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદમાં NID કેમ્પસમાં કોરોના પોઝિટિવનો આંકડો 38 પર પહોંચ્યો :નવા 14 સંક્રમિત મળ્યા

NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળ્યા

અમદાવાદના પાલડીના NID કેમ્પસમાં કોરોના પોઝિટિવનો આંકડો 38 પર પહોંચ્યો છે, NID માં નવા 14 પોઝિટિવના કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં 742 સેમ્પલોમાંથી 545 RTPCR માટે સેમ્પલ લેવાયા છે. અનેક વિદ્યાર્થીઓના RTPCRના રિપોર્ટ હજુ બાકી છે. RTPCRના પરિણામ બાકી હોવાથી હજુ પણ કોરોનાના કેસ વધવાની શક્યતા છે. તો કોરોનાના કેસ નોંધાતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદના પાલડી વિસ્તારના પ્રસિદ્ધ NID કેમ્પસમાં કોરોનાના કેસ હવે 38 થયા છે. આ અગાઉ પાલડીના NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે બાદ NIDમાં 165 યુવકો, 180 યુવતીઓ અને 100થી વધુ સ્ટાફની તપાસ કરવામાં આવી. જેમાં આ 38 કેસ સામે આવ્યા છે

કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓ હાલ આઇસોલેશનમાં છે. NID કેમ્પસમાં મળેલા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાને કોઈ લક્ષણ નથી. તો પોઝિટિવમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના છે. વિદ્યાર્થીઓની વિદેશ કે ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

આ તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આઈસોલેટ કરાયા છે. તો બીજી તરફ NID કેમ્પસના ન્યુ બોયઝ હોસ્ટેલ અને સી-બ્લોકમાં કુલ 167 રૂમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુકાયા છે. NIDની શૈક્ષણિક કામગીરી પણ હાલ સ્થગિત કરવામાં આવી છે.

NIDનો એક વિદ્યાર્થી 22 તારીખે દીવ ગયો હતો. જે બાદ NIDમાં 3 તારીખે ડીનર પાર્ટી અને 4 તારીખે સામૂહિક મૂવી શૉ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણમાં આ વિદેશી વિદ્યાર્થી કે દીવ ગયેલા વિદ્યાર્થી દ્વારા સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન છે.

ગુજરાતમાં હાલ કોરોના કેસ ભલે વધુ નથી નોંધાઇ રહ્યા. જો કે પાલડીના NID કેમ્પસમાં નોંધાયેલા કેસ ચોક્કસ ચિંતા ઉપજાવે તેવા છે. બીજી તરફ  હાલ ઉનાળુ વેકેશન શરુ થઇ ગયુ છે. વેકેશનમાં પ્રવાસન સ્થળો પર ટ્રાફિક છે અને લોકો ભૂલી ગયા છે કે કોરોના છે. લોકોએ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું છે. ત્યારે હવે લોકોએ માસ્ક સહિતના કોરોનાના નિયમોના પાલનની સાવધાની રાખવી જરુરી છે.

(7:40 pm IST)