Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અહો આશ્ચર્યમ્‌! ગુજરાતના પ્રખ્‍યાત અંબાજી માતાજી શક્‍તિપીઠમાં બનાવાય છે રોજ હજારો કિલો મોહનથાળ, તેમ છતાં પ્રસાદ ઘરમાં નથી આવતા કીડી-મકોડા

ગુજરાતના પ્રખ્‍યાત શક્‍તિપીઠ અંબાજીને પ્રસાદ બાબતે બી.એચ.ઓ.જી.નું પ્રમાણપત્ર એનાયત કરવમાં આવ્‍યુ

બનાસકાંઠાઃ આપણા ઘરમાં જ્‍યારે કોઇપણ મીઠી વસ્‍તુ ખુલ્લી મુકી હોય ત્‍યારે ત્‍યાં જોતજોતામાં કીડી-મકોડા હુમલો કરે છે ત્‍યારે ગુજરાતના પ્રસિદ્ધ શક્‍તિપીઠ અંબાજીમાં રોજ 3 થી 4 હજાર કીલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે, પરંતુ અહીં નવાઇની વાત એ છે કે, મોહનથાળ મંદિરના જે પ્રસાદગૃહમાં બને છે ત્‍યાં ક્‍યારેય કીડી-મકોડા નથી આવતા અને દર્શનાર્થીઓ શુદ્ધ અને ગુણવત્તાવાળા પ્રસાદનો લાભ લે છે.

ગુજરાતનું પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી જ્યાં દર્શને ગયા બાદ મંદિરમાંથી મોહનથાળનું પ્રસાદ ન લેવાય તો દર્શન અધુરા રહ્યા હોય તેમ લાગે. પ્રસાદની શુદ્ધતા સાથે ગુણવત્તા ઉપર પણ મંદિર ટ્રસ્ટ પુરતુ ધ્યાન કેન્દ્રીત કરે છે. અંબાજી મંદિરમા રોજનું 3 થી 4 હજાર કીલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે ને વર્ષ દરમિયાન 12 લાખ કીલો ઉપરાંત પ્રસાદનાં નાના મોટા એક કરોડ જેટલાં પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવાતાં આ મોહનથાળ નાં પ્રસાદમાં કકરો બેસન, ઘી, ખાંડ, ઇલાયચી ને દુધનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનાં પેકેટ બનાવી વિતરણ કરાય છે. આ પ્રસાદનાં પેકેટ બનાવવાં માટે 60 જેટલી મહીલાઓને 40 જેટલાં પુરુષો કામ કરે છે.

જો આપણા ઘરમાં મીઠી વસ્તુઓ મૂકી હોય તો ત્યાં કીડી મકોડા આવતા વાર નથી લાગતી. પણ માતાના આ મંદિરના પ્રસાદ ઘરમાં કીડી મકોડા નથી આવતા. અહીં આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, પ્રસાદ માટેનો મોહનથાળ મંદિરના જે પ્રસાદઘરમાં બને છે ત્યાં ક્યારેય કીડી મકોડા આવતા નથી.

શક્તિપીઠ અંબાજીના મોહનથાળના પ્રસાદમાં શુદ્ધતાં સાથે ગુણવત્તાવાળા પ્રસાદ બાબતે અંબાજી મંદિર ટ્રસ્ટને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી ઓડીટ એજન્સી દ્વારા તપાસણીનાં અહેવાલો સુપરત કરાયાં બાદ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને બી.એચ.ઓ.જી (બ્લીસફુલ હાયઝેનીક ઓફરીંગ ટુ ગોડ) નું પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યુ છે.

જે જોતા મંદિર ટ્રસ્ટ પોતાના પ્રસાદની શુદ્ધતાંને ગુણવત્તા બાબતે ખરી ઉતરી છે. જોકે થોડા દિવસ અગાઉ જ યાત્રાધામને લઇ મુખ્યમંત્રી દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતમાં 358 સુવર્ણ કળશ ધરાવતું આ એક માત્ર શક્તિપીઠ છે. અને 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માં ના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પ્રત્યે લોકોની ઘણી આસ્થા છે.

(5:40 pm IST)