Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપનાર કાકાનું અપહરણ કરી ખંજરથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપનાર કાકાને જબરજસ્તીથી બાઈક ઉપર બેસાડી નજીકમાં લઈ જઇ હુમલો કરી ખંજરનો ઘા માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે વારસીયા પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વારસિયા શિવ વાટિકા સામે રહેતા અને ફ્રુટનો વેપાર કરતા કનુભાઈ દેવીપુજકએ ફરિયાદ નોંધાવી હતી કે, મારો નાનોભાઈ મનુભાઈ દેવીપુજક ભંગારનો છૂટક ધંધો કરે છે. તેની 16 વર્ષીય દીકરીને વાઘરી વાસમાં રહેતો કાળીયાભાઈ દેવીપુજક પરેશાન કરતો હોવાથી રજૂઆત કરતાં સમાધાન થયું હતું. બે દિવસ અગાઉ કાળીયો દેવીયોપુજક તથા તેનો મિત્ર ઘસી આવ્યા હતા. જેથી હુંએ તેમને જણાવ્યું હતું કે, તમે અહીંથી પાછા જતા રહો ભત્રીજીનો લગ્ન પ્રસંગ હોય મહેમાનો આવ્યા છે. આ દરમિયાન કાળીયાએ મને જબરજસ્તીથી તેની બાઈક ઉપર બેસાડી દીધો હતો. અને પટેલ પાર્કના નાકા પાસે મને અપશબ્દો બોલી માર માર્યો હતો. આ દરમિયાન કાળીયાનો ભાઈ સુનીલ દેવીપુજક ઘરેથી ખંજર લઈ દોડી આવ્યો હતો . અને મારી ઉપર હુમલો કરી પગના ભાગે ખંજર ભોકતા ઈજાઓ પહોંચી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે કાળીયા, તેના ભાઈ સુનીલ અને કાળીયાના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:12 pm IST)