Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

તારાપુર તાલુકાના દુગારી ગામે ઝેરી દવા ખાવાથી બે પશુઓના મોત

તારાપુર : તારાપુર તાલુકાના દુગારી ગામે ખેતરમાં આવવા જવાના રસ્તા પર ગામના જ એક શખ્સ એ ગાયો ભેંસોને નુકસાન પહોંચાડવા ઘઉંનાં કુવરમાં ઝેરી દવા ભેળવતા ચાર ભેંસો ઝેરી દવા ભેળવેલી ઘઉંનું કુવર ખાઈ જતા સારવાર દરમિયાન બે ભેંસો મરી ગઇ છે તથા બે ભેંસો સારવાર હેઠળ હોઇ, જે બાબતનો ઠપકો આપવા જતાં ફરિયાદીને ગાળો બોલી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તારાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારાપુર તાલુકાના દુગારી ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા સુરેશભાઈ ભીમાભાઇ ભરવાડને ગામના જ મહેન્દ્ર ઉર્ફે ટીનાભાઈ બચુભાઈ પરમારના ખેતર નજીક જાહેર રસ્તો આવેલો છે. આ રસ્તા પરથી ગાયો ભેંસો ચરાવવા સારું જતા આવતા ટીનાભાઇએ સુરેશભાઈ ભરવાડને ઘણીવાર ખેતર નજીકથી તમારે ગાયો ભેંસો લઇ જવી નહીં. નહીંતર દવા મુકી દેવી પડશે તેમ કહ્યું હતું. ગતરોજ તા.૦૭/૦૫ ના રોજ સુરેશભાઈ ભરવાડ પોતાની ગાયો ભેંસો લઈને ચરાવવા સારુ ટીનાભાઇના ખેતર બાજુના જાહેર રસ્તા પર થઈને નિકળ્યા હતા. ત્યારે રસ્તા પર ઘઉંનું કુવર પડેલ હતું. જે ભેંસો ચરતી હતી. થોડી વારમાં ચાર ભેંસો ચકકર ખાઇ, શરીર સ્થિતિનું ભાન રાખી શકતી ન હતી જેથી વેટરનરી ડોકટરને સારવાર માટે બોલાવતા ડોક્ટર દ્વારા ભેંસોને ઝેરી અસર થઇ હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન બે ભેંસો મૃત્યુ પામી હતી જ્યારે બે ભેંસો સારવાર હેઠળ છે. જેથી ખબર પડી કે આ ટીનાભાઇ એ અગાઉ રસ્તા પરથી પસાર થયો હતો ત્યારે ગાયો ભેંસોને ઝેર આપવાની વાત કરી હતી. જેથી રાત્રે આ અંગે ટીનાભાઇને કહેવા જતા ટીનાભાઇ એ જણાવેલ કે તેમણે જ ઝેરી દવા નાખી હતી. અને તે જ ભેંસોએ ખાધું છે તારાથી થાય એ કરી લેજે તેમ કહી ઉશ્કેરાઈ જઇ ઝઘડો કરી હવે જો ખેતર નજીકથી જો તમારી ગાયો ભેંસો લઇ ગયા છો તો જીવતા નહીં મૂકીએ અને ફાયરિંગ કરીને પાડી દઈશું તેવી ધમકી આપતા સુરેશભાઈ ભીમાભાઇ ભરવાડ દ્વારા તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસે મહેન્દ્ર ઉર્ફે ટીનાભાઇ જટુભાઈ પરમાર તથા ગોપાલભાઈ રસિકભાઈ પરમાર રહે. દુગારી તાલુકો તારાપુર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:09 pm IST)