Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

નડિયાદ:ખેડા અમદાવાદ રોડ નજીક ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બે બાઇકને હડફેટે લીધી:બે મહિલા સહીત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : ખેડા અમદાવાદ રોડ કનેરા સીમમાં આવેલ પેટ્રોલ પંપ નજીક એક ટેન્કર ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડ પુરઝડપે હંકારી સામેથી આવતી બે બાઇકને ટક્કર મારતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુ નીપજયા હતા. બનાવને કારણે ભગુપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અકસ્માત બાદ નાસી ગયેલ ટેન્કર ચાલકે સારસા પાટીયા પાસે પણ એક રિક્ષાને ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા મુસાફરોને પણ વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઇને અમદાવાદ તરફ નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે ખેડા શહેર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા તાલુકાના સારસા તાબે ભગુપુરા ગામમાં કનૈયાલાલ જેસીંગભાઇ સોલંકી (ઉ.વ.૪૨) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી પાયલ તેનાથી નાનો દીકરો અશોક (ઉ.વ.૧૮) તથા તેનાથી નાની દીકરી છાયા છે. અશોકના બે વર્ષ અગાઉ વટવા અમદાવાદ ખાતે રહેતી નીલમ સાથે થયા હતા. નીલમ તેના પિયર ગયેલ હોઈ તા ૮ મી ના રોજ બપોરના ૩ વાગે અશોક પોતાના મિત્રની બાઇક લઇ તેની સાસરી વટવા ખાતે તેને લેવા માટે ગયો હતો. દરમિયાન સાંજના સાત વાગે અશોક પોતાની બાઈક પર પત્ની નીલમને બેસાડી બારેજાથી ખેડા તરફ પોતાના ઘરે આવતો હતો. તેની સાથે ગામના સતિષભાઈ દિનેશભાઇ સોલંકી બાઈક લઈ કનેરા સીમમાં આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા. તે વખતે ખેડા તરફથી રોંગ સાઇડે એક ટેન્કર પુરપાટ ઝડપે આવી બંને બાઇકને ટક્કર મારતા બંને બાઇક પર સવાર સતિષભાઈ, ભાવનાબેન લાલજીભાઈ સોલંકી તથા અશોક અને નીલમ રોડ પર ફંગોળાઈ જતા તેઓને માથામાં તેમજ શરીરમાં અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભાવનાબેનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઈ નાસી ગયો હતો. અકસ્માત થતાં આજુબાજુના લોકો આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવજીવન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અશોક તથા નીલમને મૃત જાહેર કર્યો હતા. આ બનાવની જાણ ભગુપુરામાં થતા ગ્રામજનોના ટોળેટોળા થતા અશોકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃત અશોક તથા નીલમ અને ભાવનાબેન સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન કનેરા નજીક બાઈક ને અકસ્માત કરીને ભાગી ગયેલ ટેન્કર ચાલકે સારસા પાટિયા નજીક એક રિક્ષાને પણ અડફેટમાં લઇ રિક્ષામાં મુસાફરોને ઇજા કરી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે કનૈયાલાલ સોલંકીની ફરિયાદના આધારે ખેડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:08 pm IST)