Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે પર વાહન ચેકીંગ દરમ્યન રાજસ્થાનથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી પોલીસે દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપ્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી મુસાફરને વિદેશી દારૃના ટેટ્રા પેક સાથે ઝડપી લીધો હતો. તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં દારૃબંધી છે પરંતુ બુટલેગરો એનકેન પ્રકારે દારૃ ઘુસાડવા માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે ખાસ કરીને ચિલોડા હીંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃ ભરેલા વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવતા હવે આ માર્ગ ઉપર લક્ઝરી કે એસટી બસમાં મુસાફરોના મારફતે વિદેશી દારૃની હેરાફેરી કરવામાં આવી રહી છે.અવાર નવાર  લક્ઝરી કે બસમાંથી મુસાફરો દારૃ સાથે પકડાયા છે. ત્યારે  ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૃના ૯૬  જેટલા ટેટ્રા પેક મળી આવ્યા હતા. જેથી પોલીસે આ મુસાફર અમદાવાદના વાસણા ખાતે ખોડિયાર નગરમાં રહેતા મૂળ રાજસ્થાનના જીતુ ચંપકભાઈ ગોહિલ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:07 pm IST)