Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માણસા શહેરની સીમમાં મોબાઈલથી આઈપીએલની મેચ પર સટ્ટો રમતા યુવકને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

માણસા : માણસા શહેરની સીમમાં પોતાના ખેતરના બોરકુવા પર રાત્રીના સમયે મોબાઈલથી આઈપીએલની લાઈવ ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમતા યુવકને ગઈ કાલે મોડી રાત્રે માણસા પોલીસે બાતમી આધારે મુદ્દામાલ સાથે ઝડપી તેને સટ્ટો રમવા આઈડી અને પાસવર્ડ આપનાર અમદાવાદના એક ઇસમ સહિત બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે વખતે પી.એસ.આઈ.સોલંકીને ચોક્કસ પાકી બાતમી હકીકત મળી હતી કે માણસા શહેરમાં આવેલ વાવ દરવાજા બહાર રહેતો પટેલ વિશાલ શૈલેષભાઇ બાબુભાઇ નામનો યુવક માણસા શહેરની સીમમાં પોતાના ખેતરના બોરકુવાની ઓરડી પાસે ખુલ્લી જગ્યામાં થાંભલાની લાઈટના અજવાળે હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે રમાતી ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલની મેચનો  મોબાઈલથી હાર-જીતનો લાઈવ સટ્ટો રમી રહ્યો છે જે બાતમી આધારે પોલીસે બતમીવાળા ખેતરમાં જઇ  તપાસ કરતાં આ ઇસમ ત્યાં ખુલ્લી જગ્યામાં બેસી પોતાના મોબાઈલમાં  ક્રિકેટનો  સટ્ટો  રમવા માટે ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અલગ અલગ સાઈટમાં આઈડી અને પાસવર્ડ થી પોતાના અંગત આથક લાભ સારું હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેની વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે રહેતા જય ઠક્કર પાસેથી તેનું આઈડી અને પાસવર્ડ લઈ તેના સંપર્કમાં રહી પોતે સટ્ટો રમતો હતો અને હાર-જીતનો હિસાબ નક્કી કરેલી જગ્યાએ જઈ લેવડદેવડ કરવામાં આવતી હતી જે કબૂલાતના આધારે પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલ ૫૦૦૦ રૃપિયાની કિંમતનો  મોબાઈલ જપ્ત કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:06 pm IST)