Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 192 કરોડના ખર્ચે 545 રાજમાર્ગોનું નવીનીકરણ- વિસ્તૃતીકરણ

હજુ 411 કિલોમિટરના 146 માર્ગોના સુદ્રઢીકરણની કામગીરી પ્રગતિ હેઠળ

વડોદરા :માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ત્રણ જ વર્ષમાં 545 કિલોમિટર લાંબા માર્ગોનું 192 કરોડના ખર્ચથી નવીનીકરણ, વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. હજુ 411 કિલોમિટરના 146 માર્ગોના સુદ્રઢીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાતે આ બાબતે સમીક્ષાત્મક માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં કુલ 522 માર્ગોના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 212 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે, 146 કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ટેક્નિકલ અને વહીવટી મંજૂરી ટેન્ડરિંગ પ્રક્રીયામાંથી પસાર થઇ હવે શરૂ થનાર છે. રાજ્ય સરકારે ઉદ્દાતભાવે વડોદરા જિલ્લામાં કુલ 1008 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

હાલની સ્થિતિએ રાજ્ય અને પંચાયત હસ્તક એમ બન્ને મળીને વડોદરા જિલ્લામાં માર્ગોની લંબાઇની વિગતો જોઇએ તો રાજ્ય ધોરી માર્ગ 709 કિલોમિટર, મુખ્ય જિલ્લા માર્ગો 482 કિલોમિટર, અન્ય જિલ્લા માર્ગ 253 કિલોમિટર, આયોજન હેઠળના ગ્રામ્ય માર્ગો 502 કિલોમિટર અને બિનઆયોજન હેઠળના 1231 મળી કુલ 3179 કિલોમિટર માર્ગો છે. મજાની વાત તો એ છે કે, આ 3178 પૈકી 930 કિલોમિટર માર્ગ ઉપર નાનામોટા કુલ 44 પૂલો, કલવર્ટ મળી 1410 સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. જ્યારે, પંચાયત હસ્તકના માર્ગો ઉપર નાનામોટા 18 પૂલો, 2495 પૂલિયા મળી કુલ 2513 સ્ટ્રક્ચર હયાત છે.

આ ઉપરાંત 1312 કિલોમિટર લાંબી નર્મદા નદી ઉપર માલસર પાસે 225 કરોડના ખર્ચથી 56મો પૂલ બનાવવામાં આવી રહ્યો છે. એવી જ રીતે કરજણ તાલુકાના મોટી કોરલ અને ઝઘડિયા તાલુકાના ભાલોદને જોડવા 172 કરોડના ખર્ચથી બનનારા પૂલનું કામ શરૂ થવાનું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં વિવિધ સરકારી બાંધકામોના નિર્માણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં સાવલી અને વાઘોડિયા ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીનું નવીનીકરણ ૧૯ કરોડના ખર્ચથી આદર્શ નિવાસી શાળા, સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, જંતુનાશક પ્રયોગ શાળા, સંયુક્ત બાગાયત નિયામકની કચેરીના બાંધકામની કામગીરી ચાલી રહી છે

   
(11:25 pm IST)