Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

નર્મદા જિલ્લાના કવોરી ઉદ્યોગોની હડતાળ :કવોરી છેલ્લાં 8 દિવસથી બંધ હોવાથી 300 મજૂરો બેકાર બન્યા

જ્યાં સુધી સરકાર અમારા પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે હડતાળ નહિ સમેટીયે: નર્મદા જિલ્લા બ્લેક સ્ટોન કવોરી એસોસિએશન: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજ દિન સુધી અમલ થયેલ નથી.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા એમણે ગુજરાતનાં મુખ્યમંત્રીથી લઈને ખાણ ખનીજ મંત્રાલયને પણ રજૂઆતો કરી હતી.પણ એ રજૂઆતોનો કોઈ નિવેડો ન આવતા નર્મદા જિલ્લાના 7 જેટલા કવોરી ઉદ્યોગ સંચાલકોએ સ્વૈચ્છિક હડતાળ પર ઉતરી પડ્યા છે, જેથી એમાં કામ કરતા 300 જેટલા મજૂરો બેકાર થઈ જતાં કપરી પરીસ્થિતિમાં મુકાયા છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે એસોસીએશન સાથે થયેલ લેખિત સમાધાન મુજબ આજ દિન સુધી અમલ થયેલ નથી.ક્વોરીને લગતા વિવિધ 17 જેટલાં પ્રશ્નો છેલ્લાં 11 વર્ષથી ટલ્લે ચઢી રહ્યા છે, જેથી કવોરી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.જ્યાં સુધી સરકાર અમારા પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે હડતાળ નહિ સમેટીયે એવી નર્મદા જિલ્લા બ્લેક સ્ટોન કવોરી એસોસિએશને ચીમકી પણ ઉચ્ચારી છે.એક બાજુ સરકાર ક્વોરીને લગતા પ્રશ્નોનુ નિરાકરણ લાવતી નથી તો બીજી બાજુ ક્વોરી ઉદ્યોગો હાલ બંધ હોવાથી સરકારના વાંકે એમાં કામ કરતા 300 જેટલા મજૂરો પણ બેકાર બન્યા છે.
કવોરી ઉદ્યોગ બંધ થવાથી સરકારને રોયલ્ટીની અને જી.એસ.ટી ની આવકમાં પણ મોટું નુકશાન થઈ રહ્યું છે.સાથે સાથે એક ક્વોરીમાં એવરેજ 5-10 મોટી ટ્રકોની ગણતરી જો કરીએ તો ટ્રકોના પૈડાં થંભી જતાં જિલ્લાના પેટ્રોલ પંપો પર ડીઝલનું વેચાણ પણ ઘટયું છે.તો બીજી બાજુ વીજળીનો વપરાશ પણ ઓછો થયો છે.વિકાસ અને બાંધકામના કામો માટે અન્ય વસ્તુઓ તો ઉપલબ્ધ છે પણ કવોરી બંધ હોવાથી કપચીનું વેચાણ અટકી પડતાં વિકાસના કામો પણ હાલ ઠપ્પ થઈ જતાં એની સાથે સંકળાયેલા મજૂરો પણ બેકાર બની ગયા છે.ક્વોરી ઉદ્યોગો બંધ થતાં એની સાથે સંકળાયેલા ઘણા લોકો હાલ વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.એટલે સરકાર એમના પ્રશ્નોનું વેહલી તકે નિરાકરણ લાવે તો સ્થાનિકોની રોજગારી પણ ચાલુ થઈ જાય અને અટકી પડેલા વિકાસના કામોની પણ શરુઆત થઈ જાય.

   
 
   
(10:42 pm IST)