Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીના વિવાદ મુદ્દે બંને પક્ષો વચ્ચે થઇ બેઠક:12મેએ ફરી બેઠક થશે

બંને પક્ષના વકીલો સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ: હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં બેઠક મળી :13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશન રિપોર્ટ આપવો પડશે.

અમદાવાદ :હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદ મુદ્દે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષો તરફથી હકારાત્મક ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે.આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી. હવે 12 મેના રોજ ફરી બેઠકમાં ચર્ચા કરાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહની હાજરીમાં બેઠક થશે. હરિધામ સોખડા મંદિર સંસ્થાનમાં ફરીથી યોગ્ય વાતાવરણ સ્થપાય તેવા પ્રયાસો કરાશે. સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશન રિપોર્ટ આપવો પડશે.

આજની બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં જે પગલા ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે તેવું જણાવાયું હતું. આ મિટિંગમાં હરિધામ સોખડા સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવા અંગે પણ ચર્ચા થી હતી. સંસ્થામાં બંને જૂથે સંપીને સંસ્થા ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા સાથે મળીને ચલાવવામાં આવે તેવું સુચન કરાવામાં આવ્યું હતું.

હરિધામ સોખડા મંદિર વિવાદ સમાપ્ત કરવા માટે હાઇકોર્ટની મધ્યસ્થીમાં બેઠકનું આયોજન થઈ રહ્યું છે તેની વચ્ચે ગઈ કાલે વધુ એક વવાદ સામે આવ્યો હતો. મંદિરમાં અત્યારે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પ્રગાટ્ય દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત યોગી ડિવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને પ્રેમ સ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડવાના જ્ઞાન વલ્લભ સ્વામીના પત્રને લઈને વિવાદ સર્જાયો છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે. હરિભક્તોનું કહેવું છે કે “હાઈકોર્ટમાં 9મી તારીખે સમાધાન મુદ્દે બેઠક” થવાની છે ત્યારે બેઠક પૂર્વે ચાદર ઓઢાડવાની પ્રક્રિયા ન થવી જોઈએ.

 

   
(9:32 pm IST)