Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પહેલા સ્માર્ટ સિટીના ગરીબોને ઢાંકવા અમદાવાદ મનપાની કવાયત

અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના અંદાજે બે કીલોમીટરના રસ્તા ઉપર પાકી દિવાલ બનાવવા કાર્યવાહી

અમદાવાદ :રાજ્યમાં જાન્યુઆરી-2021માં વાઇબ્રન્ટ સમિટ યોજાશે,દરમિયાન અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના અંદાજે બે કીલોમીટરના રસ્તા ઉપર પાકી દિવાલ બનાવવા મ્યુનિસિપલ તંત્ર તરફથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગના સામાન્ય પરિવારો વસવાટ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ આંતર રાષ્ટ્રીય મહાનુભવ આવવાના હોય છે એ સમયે સ્માર્ટ સિટીના વહીવટી તંત્ર દ્વારા શહેરની ગરીબી વિદેશી મહાનુભવોની નજરે ચઢી ના જાય એ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાની સ્થાનિકોમાંથી પ્રતિક્રીયા મળી છે.

એક તરફ મ્યુનિસિપલ તંત્ર શહેરના રોડ રીસરફેસ કરવા કોવિડ મહામારી બાદ પુરતુ બજેટ ના હોવાનો જવાબ આપે છે. બીજી તરફ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના રસ્તા ઉપર બે કીલોમીટર લાંબી દિવાલ બનાવી ગરીબીને ઢાંકવાના પ્રયાસ પાછળ ફરી એક વખત જંગી રકમનો ખર્ચ કરવામાં આવશે.

તંત્ર તરફથી આરંભવામાં આવેલી કામગીરીના કારણે દિવાલ બનવાથી વાઈબ્રન્ટ સમિટ પુરી નહીં થાય ત્યાં સુધી તમામ પ્રકારની મુશ્કેલી પડવાની હોવાથી તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.  સરદારનગર વોર્ડમાં આવેલા અમદાવાદ એરપોર્ટથી સરદારનગર તરફ જવાના રસ્તે એસ.પી. ઓફિસથી ઈન્દિરા બ્રીજ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર બંને તરફ મોટી સંખ્યામાં દુકાન તેમજ રહેઠાણ આવેલા છે.

આ વિસ્તારના દુકાનદારો તેમજ સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.  જો રહેણાંક સોસાયટીઓમાં આગ કે અકસ્માત જેવી દુર્ઘટના થશે તો એ સમયે એમબ્યુલન્સ કે ફાયર વિભાગના વાહનો પણ સાંકડી ગલીઓમાંથી પસાર થઈ નહીં શકે. આ કારણથી પણ સ્થાનિકોમાં તંત્ર સામે ખફગી જોવા મળી રહી છે.

ફેબ્રુઆરી-2020માં ટ્રમ્પના આગમન અગાઉ આ વિસ્તારમાં આવેલા સરણીયા વાસની ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે તંત્ર તરફથી 500 મીટર લાંબી ચાર ફૂટની પાકી દિવાલ બનાવવામાં આવી હતી.

(10:41 pm IST)