Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગાંધીનગર નજીક આવેલ ચિલોડામાં ભરણપોષણ બાબતે પતિ સાથે અદાલતમાં થયેલ રક્ઝકથી પતિને દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી

ગાંધીનગર: શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં આવેલા દશેલા ગામમાં રહેતી યુવતિએ દોઢ વર્ષ અગાઉ અમદાવાદ વસ્ત્રાલના યુવાન સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બન્ને પતિ પત્નિ તરીકે રહેતા હતા આ દરમ્યાન બન્ને વચ્ચે તકરાર થતાં તે પિતા ઘરે આવી ગઈ હતી અને ભરણપોષણનો કેસ કોર્ટમાં કર્યો હતો જેની મુદત દરમ્યાન પતિએ બોલાચાલી કરતાં આ યુવતિએ ઘરે જઈને દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.    

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચિલોડા પંથકમાં આવેલા દશેલા ગામમાં રહેતી યુવતિનું મુળ વતન હિંમતનગર તાલુકામાં આવેલું છે. યુવતિ તેના વતનમાં જતી તે વખતે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો બલરાજ પ્રકાશભાઈ ચાવડા પણ ત્યાં આવતો હતો અને બન્ને વચ્ચે થયેલો પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. જેથી ગત તા.૧૮ માર્ચ ર૦૨૦ના રોજ અમદાવાદ કોર્ટમાં બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા અને પતિ પત્નિ તરીકે રહેવા લાગ્યા હતા. જો કે લગ્નના થોડા મહિનાઓ પછી બલરાજ દ્વારા યુવતિને શારીરીક-માનસિક ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું. જેથી તે પિતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. પતિ સામે ગાંધીનગર કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ દાખલ કરાવ્યો હતો. જેની ગઈકાલે મુદત હતી તે દરમ્યાન બલરાજે ઝગડો કરીને તેની સાથે આવવા દબાણ કર્યું હતું. યુવતિએ ઈન્કાર કરતાં તેને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી યુવતિ ઘરે પહોંચી હતી અને ત્યારબાદ જુની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સિવિલ પહોંચી હતી અને યુવતિની ફરીયાદના આધારે બલરાજ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. 

(5:21 pm IST)