Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા : ડીજેના તાલ અને ફટાકડા સાથે ભાવિકોએ બાપાને આવકાર્યા

ભક્તોમાં કોરોનાનો ડર ઓછો અમે ઉત્સાહ વધુ : અનેક લોકો માસ્ક વિહોણા : સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ

સુરત :ગયા વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવ ઉજવાઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે મોડે મોડે પણ ગાઈડલાઈન નક્કી કરીને અને ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપી છે. ત્યારે ગણપતિ મંડળોનો ઉત્સાહ સાતમા આસમાને છે, શુક્રવારે ગણેશ ચતુર્થી છે, આજે સવારથી જ સુરતના અલગ-અલગ વિસ્તારમાં ગણપતિ આગમનને લઈને ભક્તો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે આ આગમન યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોય તેવું દેખાયું હતું. સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

જોકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક પણ નિયમનું પાલન આ ગણપતિની આગમન યાત્રામાં જોવા મળ્યું ન હતું. અડાજણ વિસ્તારમાં નીકળેલી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં અસંખ્ય લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જયારે સોશિયલ ડિસ્ટનસીંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. બાપ્પાને જોવા આવેલા ભક્તો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવ ઉજવી ન શકેલા ગણેશ ભક્તો આ વખતે ગણપતિ ઉત્સવની લઈને ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતાં આ ઉત્સાહ બમણો પણ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી કોરોના સંક્રમણની વાત છે, ત્યાં હવે ભક્તોમાં કોરોનાનો ડર ઓછો એટલા માટે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે મોટાભાગના લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

સુરતમાં 84 ટકા લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે. તેવામાં કોરોનાનો ડર પણ લોકોમાં ઓછો જોવા મળ્યો છે અને આજ કારણ છે કે સાર્વજનિક ગણેશોત્સવમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આગમન યાત્રા અને વિસર્જન યાત્રામાં માત્ર 15 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન થયું હોય તેવું દેખાયું ન હતું. ગણપતિ આગમનને લઈને બજારોમાં અને રસ્તા પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

(11:46 pm IST)