Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સુરત:એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોના કાર્ડ બદલાવી પૈસા ઉપાડી લેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

સુરત: શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડતી ટોળકીને સુરત સાયબર ક્રાઈમ પોલીસ અને પાંડેસરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી તેમની પાસેથી 19 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.15 હજાર અને એક કાર કબજે કરી હતી. છેલ્લા બે મહિનાથી જ સક્રિય થયેલી ટોળકી વધુ ગુનાઓને અંજામ આપે તે પહેલા પોલીસે પકડી પાડી સુરતના ચાર અને ઉત્તરપ્રદેશના એક ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના બનાવો ઉપરાછાપરી બન્યા હતા. આથી પાંડેસરા પોલીસ અને સુરત સાયબર ક્રાઈમ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તેના આધારે વેપારી તૌફીકખાન ઉર્ફે બબ્બે મુસ્તકીમ ( ઉ.વ.29 ), ડ્રાઈવર રિયાઝખાન સિરતાઝખાન ( ઉ.વ.32 ), ડ્રાઈવર મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીરખાન ( ઉ.વ.35 ) ( ત્રણેય રહે.ગામ બાબુતારા, સગારા સુંદરપુર, તા.લાલગંજ, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) અને કડીયા કામ કરતા હબીબ નવાબ શેખ ( ઉ.વ.50, રહે.લાલા સરદારનગર ઝુપડપટ્ટી, દેવપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી તેમની પાસેથી 19 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.15 હજાર અને એક કાર કબજે કરી હતી. પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા બે મહિનાથી ગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પીના અલગ અલગ શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી તેમને મદદ કરવાના બહાને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ અને પાસવર્ડ બદલી પૈસા ઉપાડી લેતા હતા. હાલ તેમની પૂછપરછમાં ઉત્તરપ્રદેશના કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના ઉપરાછાપરી બનાવોમાં પણ આ જ ટોળકી સામેલ છે.

(6:30 pm IST)