Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સરકારના સહયોગથી હવે રમતના સાધનોથી લઇને તમામ પ્રકારનો સહયોગ મળે છે, એથ્‍લીટનું આખુ ફોકસ ગેઇમ ઉપર જ હોય છેઃ મહેસાણાની સિલ્‍વર મેડાલિસ્‍ટ ભાવિના પટેલ

અડગ મનની યુવતિએ તમામ મુશ્‍કેલીઓને હરાવી

મહેસાણા: દેશ માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના એક નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોત્સવ સુધી પહોંચવું એ ભાવિના માટે સરળ નહોતું. અનેક સંઘર્ષો કરી, તકલીફો વેઠી ભાવિના પટેલે આ સફળતા મેળવી છે. કેવી રહી ભાવિનાની આ સફર અને કેવી રીતે આ અડગ મનની યુવતીએ તમામ મુશ્કેલીઓને હરાવી.

ઓલિમ્પિક જર્ની વિશે ભાવિનાએ કહ્યું કે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સપોર્ટથી જ આ વર્ષે આટલા બધા એવોર્ડસ આવ્યા. તેમણે મોટિવેશન આપ્યું કે, દરેક એથલિટ પોતાની ગેમ પર ફોકસ કરી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષે ભારતને મળેલા ઢગલાબંધ મેડલ વિશે કહ્યું કે, અમારા પર કોઈ પ્રેશર ન હતું. એક વાત હતી કે બેસ્ટમાં બેસ્ટ આપવુ છે. હવેથી બીજા એવા ઘણા એથલીટ બહાર આવશે જેઓ ખરેખર કંઈક કરવા માંગે છે. તેઓ પોતાનુ પરર્ફોમન્સ સારું કરશે.

તેમણે કહ્યું કે, પરિવારનો સપોર્ટ બહુ જ ખાસ બાબત હોય છે. જીવનમાં અનેક તકલીફો આવતી રહે છે. આવા સમયે પરિવાર સપોર્ટમાં હોય તો એ તકલીફોમાંથી પણ તારવી જાય છે. હું અહી સુધી પહોંચી તે માટે મારા પિતા અને પતિનો સપોર્ટ કારણભૂત છે.

સરકારના સહયોગ વિશે તેમણે કહ્યું કે, હવે રમત માટેના સાધનોથી લઈને તમામ પ્રકારના સહયોગ મળી રહ્યા છે. મોંઘાદાટ સાધનો અમને પૂરા પાડવામાં આવી રહ્યાં છે. નોકરીમાં પણ અમને રમત રમવા જવા માટે પૂરતો સહયોગ આપવામાં આવે છે. રજાઓ મળવાને કારણે હું મારી પ્રેક્ટિસ પર વધુ ધ્યાન આપી શકી. જેથી એથ્લીટનું આખુ ફોકસ ગેમ પર રહે છે.

(5:28 pm IST)