Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

પોલીસ સિસ્ટમને સડેલી કહેનાર જમાદાર હીરા રબારી સસ્પેન્ડ

સુરત એસીપીએ 'ભડના દિકરા હોય તો પગલા લ્યો' તેવી પોસ્ટ પાસ કર્યાનો વિવાદ શમ્યો નથી ત્યાં રાજકોટમાં વધુ એક વિવાદ : કોવીડ-૧૯ના જાહેરનામા ભંગ માટે કરાતા કેસ ગેરવ્યાજબી હોવાનો મુદ્દો છેડી પોલીસ અધિકારી-કર્મચારીઓના વોટસએપ ગ્રુપમાં ઉપરી અધિકારીઓની કામગીરીને ઉતારી પાડતી કોમેન્ટ પાસ કરી હતીઃ ગેરશિસ્ત બદલ ડીસીપી પ્રવિણકુમાર મીનાનો હુકમ

રાજકોટ, તા. ૯ :. શિસ્તને વરેલા પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમથી વિવાદાસ્પદ પોસ્ટ પાસ કરવાના મુદ્દે તાજેતરમાં ચર્ચામાં આવેલા સુરતના એસીપી સામે ગેરશિસ્ત બદલ પગલા તોળાઈ રહ્યા છે. આ વચ્ચે રાજકોટ ટ્રાફીક બ્રાન્ચમાં ફરજ બજાવતા વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલ હીરા રબારીએ પોલીસ સિસ્ટમને સડેલી કહેતી કોમેન્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ગ્રુપમાં મુકતા સસ્પેન્ડ કરી દેવાયા છે.

મળતી માહિતી મુજબ હીરાભાઈ સામતભાઈ રબારી નામના ટ્રાફીક હેડ કોન્સ્ટેબલે તાજેતરમાં કોવીડ-૧૯ના જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા લેવાતા પગલા ગેરવ્યાજબી હોવાના મતલબની પોસ્ટ વોટ્સએપ ગ્રુપમાં મુકવા સાથે ઉપરી અધિકારીઓની કામગીરીને ઉતારી પાડી હતી. આ બાબતને ગંભીર ગેરશિસ્ત ગણી ડીસીપી પ્રવિણકુમાર મીના દ્વારા હીરા રબારીને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો. અમદાવાદ કોર્ટના એક હુકમને ટાંકીને હીરા રબારીએ ઉપરી અધિકારીઓને કોવીડ-૧૯ના જાહેરનામા ભંગ બદલ કેસ કરવા થતા દબાણના મુદ્દે 'પોલીસ સિસ્ટમ સડેલી' એવુ લખી ઉપરી અધિકારીઓને ઉતારી પાડયા હતા. પોલીસ ફોર્સમાં આવી હરકતને ગેરશિસ્ત ગણવામાં આવે છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોવીડને પ્રસરતો અટકાવવા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ કરાવવા પોલીસ કેસ કરે તે ફરજનો ભાગ છે. આવા કેસ સંદર્ભે કોર્ટ કોઈ હુકમ કરે તે અલગ બાબત છે પરંતુ પોલીસે તો સરકારના જાહેરનામા મુજબ ફરજ બજાવવી જ પડે છે ત્યારે હેડ કોન્સ્ટેબલ રબારી દ્વારા પોલીસના ગ્રુપમાં આવી કોમેન્ટની બાબતને  હરગીઝ સાંખી ન લેવાય તેવુ જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડ થયેલા હેડ કોન્સ્ટેબલની અગાઉ પણ કચ્છમાં જિલ્લાફેર બદલી કરવામાં આવી હતી. લલુડી વોંકળી પાસે બનેલા એક લૂંટના બનાવમાં તેની સંડોવણી બદલ આ પગલા લેવાયા હતા.

(3:13 pm IST)