Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન સ્કૂલોમાં ધોરણ1-1માં 20 ટકા વિદ્યાર્થીઓ વધ્યા

ધોરણ 2થી 8માં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા વધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલોમાં એડમિશન વધ્યા છે. ગત વર્ષ કરતા ધોરણ 1માં 20 ટકા વિદ્યાર્થીઓ વધ્યા છે જયારે ધોરણ 2થી 8માં 30 ટકા વિદ્યાર્થીઓ વધ્યા છે. 31 ઓગસ્ટ બાદ સ્કૂલમાં એડમિશન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

ખાનગી સ્કૂલોમાં ભણાવવા વાલીઓ અગાઉ આગ્રહ રાખતા હતા અને સરકારી સ્કૂલોમાં ભણાવવા માટે ટાળતા હતા. કોરોના આવ્યા બાદ આ પરિસ્થિતિ ઉંધી જોવા મળી છે. આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણની પદ્ધતિના કારણે હવે વાલીઓ સરકારી સ્કૂલોમાં ભણાવવા અગ્રહ રાખે છે જ્યારે ખાનગી સ્કૂલોમાં ટાળી રહ્યા છે. ગત વર્ષ કરતા ધોરણ 1માં નવા એડમિશનમાં 20 ટકા વધારો થયો છે જયારે ધોરણ 2થી 8માં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા વધી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2020-21માં ધોરણ 1માં 18216 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું હતું. જેની સામે વર્ષ 2021-22માં 22015 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે એટલે કે 3800 જેટલા વધુ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. ખાનગી સ્કૂલમાંથી કોર્પોરેશનની શાળામાં એડમિશન લેનાર વર્ષ 2020-21માં 4000 કરતા વધુ હતા. જેની સામે વર્ષ 2021-22માં 5277 વિદ્યાર્થીઓ છે એટલે કે 1200 કરતા વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં આવ્યા છે.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, સ્કૂલોમાં ધોરણ 1 અને ધોરણ 2થી 8માં સંખ્યામાં વધારો થયો છે. કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મર્જ પણ કરવી પડી છે. કોટ વિસ્તાર અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું છે જેના કારણે સ્કૂલો મર્જ કરવી પડી છે. નિયમ મુજબ 100 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સ્કૂલ જ મર્જ કરવામાં આવી છે. શિક્ષક વધુ હોય અને વિદ્યાર્થીઓ ઓછા હોય જેથી વ્યવસ્થા જાળવવા સ્કૂલો મર્જ કરવી પડી છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલેથી 3 કિમી દુર રહેતા હશે તેમના માટે ટ્રાન્સપોટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

(1:32 pm IST)