Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

હથનુર ડેમના 41 દરવાજા ખોલાતા ઉકાઇ ડેમમાં 1.45 લાખ ક્યુસેક પાણીની આવક : ડેમની સપાટી 334.75 ફૂટ નોંધાઇ

ઉકાઇ ડેમમાં 1.45 લાખ કયુસેક ઇનફલો આવતા જ 12 કલાકમાં સપાટીમાં દોઢ ફૂટનો વધારો

સુરત : હથનુર ડેમના 41 દરવાજા ખુલ્લા કરીને 82,000 કયુસેક પાણી છોડાતા આજે ઉકાઇ ડેમમાં 1.45 લાખ કયુસેક ઇનફલો આવતા જ 12 કલાકમાં સપાટીમાં દોઢ ફૂટનો વધારો થઇને 334.75 ફૂટ નોંધાઇ હતી. તો આગામી દિવસોમાં ઉકાઇ ડેમની સપાટી 340 ફૂટને પાર કરી જાય તેટલુ પાણી ઉકાઇ ડેમમાં આવવાની ગણતરીઓ થઇ રહી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં મેઘરાજાની મહેર જોવા મળતા સાગબારામાં 4.5 ઇંચ, સરનખેડામાં 4.0 ઇંચ, સાવખેડામાં 3.5 ઇંચ સહિત તમામ રેઇનગેજ સ્ટેશનમાં 700 મિ.મિ અને સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો હથનુર ડેમના તમામ દરવાજા ખુલ્લા કરીને 82,000 કયુસેક પાણી છોડાતું હતુ. આમ હથનુર ડેમનું પાણી અને હથનુરથી ઉકાઇ ડેમ વચ્ચેના કેચમેન્ટના વરસાદનું પાણી ભેગું થઇને આજે ઉકાઇ ડેમમાં 1.45 લાખ કયુસેક પાણીની આવક ઠલવાઇ હતી. જેના કારણે સપાટીમાં પણ વધારો શરૃ થયો હતો. સવારે ડેમની સપાટી 333.28 ફૂટ નોંધાયા બાદ સાંજે છ વાગ્યે દોઢ ફૂટ વધીને 334.75 ફૂટ નોંધાઇ હતી.

ઉકાઇ ડેમનું રૃલલેવલ 340 ફૂટ છે. અને સત્તાધીશો હાલ જે ગણતરી કરી રહ્યા છે, તે મુજબ આ ત્રીજા રાઉન્ડના વરસાદમાં ઉકાઇ ડેમની સપાટી આગામી દિવસોમાં 340 ફૂટને આંબી જશે. આમ ઉકાઇ ડેમના સત્તાધીશોને આવતા વર્ષના ચોમાસા સુધી પાણીની મુશ્કેલીઓ દૂર થઇ ગઇ છે.

(12:29 pm IST)