Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

રાજ્યમાં તલાટી મંત્રીઓએ સરકાર સામે બાંયો ચડાવી આંદોલન કરવાના મુડમાં

૨૦૧૮માં નાયબ મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપેલ તેમ છતાં હજુ જૈસેથેની જ સ્થિતી માસ સીએલ, સ્થાનિક કક્ષાએ દેખાવો સહિત ૧૨ ઓકટોબરે તલાટીઓ ગાંધીનગર ધરણામાં જોડાશે

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૯: રાજયના તલાટીમંત્રી મહામંડળે સરકાર સામે બાંયો ચડાવી ત્રણ વર્ષ જુના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજય અને જીલ્લા કક્ષાએ આવેદનો , ધરણાં કામગીરી નો બહિષ્કાર તેમ જ માસ સીએલ ની રજા મુકવાની જાહેરાત કરતાં જ ચકચાર મચી ગઇ છે અને રાજય સરકાર પણ લડત સામે તૈયારીઓ રાખવા તૈયારીઓ કરશે તેવા એંધાણ છે.

રાજયના તલાટી મંત્રીઓના દસ જેટલા પડતર પ્રશ્નોના નિકાલ માટે ૨૦૧૮ માં નાયબ મુખ્યમંત્રી એ હલ કરવાની બાંહેધરી આપતા તે સમયે તલાટીઓ ની હડતાળ સમેટી હતી પરંતુ ત્રણ વર્ષ વીતવા છતાં અમલ ના થતા આખરે તલાટીઓ સરકાર સામે લડાયક મુડમાં આવ્યાં છે.

ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળના લેટર હેડ ઉપર જણાવ્યા મુજબ પડતર પ્રશ્નોના નિકાલ માટે આગામી તા.૧૩ સપ્ટે.રાજયના તમામ જીલ્લા કક્ષા એ આવેદન અપાશે.પડતર પ્રશ્નોનું નિરાકરણના આવે ત્યાં સુધી મોબાઇલના વ્હોટસએપમાં સરકારી તમાંમ વિભાગો સાથે જોડાણ રદ કરશે.

જયારે તા.૨૦ સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરશે.તા.૨૭ સપ્ટે.ના પેન ડાઉન કરશે અને તા.૧ ઓકટોબરે માસ સીએલ મુકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરી તમામ મહેસુલ કામગીરી તથા ઓનલાઇન કામનો બહિષ્કાર કરશે.

તા. ૭ ઓકટોબરે રાજય ના તમામ જીલ્લા કક્ષાએ ધરણાં અને તા.૧૨ ઓકટો.એ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માં એક દિવસ ના ધરણાં કરશે. રાજય તલાટી મંત્રી મહામંડળ ના પ્રમુખ પંકજ મોદી અને મહામંત્રી સહદેવ સિંહ ચુડાસમા ના માર્ગદર્શન નીચે તમામ કાર્ય થશે.

રાજય ના તલાટીઓ એ સરકાર સામે લાલ આંખ કરતાં સરકારની પણ આગામી સ્થિતિ પર ચાંપતી નજર હોવાનું જાણવાં મળ્યું છે.જયારે સરકાર માટે આગામી મહીનાઓ આંદોલનો નો હોય તેવું અત્યારનું ચિત્ર જોતા જણાઇ રહ્યું છે.

શું છે તલાટીઓ ના વર્ષો જુના પડતર પ્રશ્નો ?

(૧) ૨૦૦૪-૦૫ ની ભરતી માં તલાટીઓ ની નોકરી સળંગ ગણવા બાબત.

(૨) ૨૦૧૬ બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા બાબત

(૩) વિકાસ અધિકારી સહકાર તથા વિકાસ અધિકારી આંકડા માં પ્રમોશન મળવા બાબત

(૪) રેવન્યુ ( મહેસુલી ) તલાટી ને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા બાબત

(૫) ઇ.ટી.એ.એસ. કે અન્ય ઉપકરણ થી તલાટી મંત્રી ની ફરજ પર ની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા બાબત

(૬) આંતર જીલ્લા ફેર બદલી બાબતે

(૭) પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગોની કામગીરી તલાટીઓ ને નહીં સોંપવા બાબત.

(૮) મંત્રી ઓ ની ફરજ મોકુફી બાબતે

(૯) એક ગામ એક તલાટી તથા મહેકમ મંજુર કરવા .

રાજય માં ૧૮૦૦૦ ગામો વચ્ચે માત્ર ૯૦૦૦ તલાટી મંત્રીઓ

અહીં ખાસ નોંધનીય છે કે રજૂઆતમાં મહામંડળે જણાવ્યું છે તે મુજબ સમગ્ર રાજય માં અઢાર ૧૮૦૦૦ ગામો વચ્ચે માત્ર ૯૦૦૦ જેટલા જ તલાટી મંત્રી ઓ છે જેના કારણે મોટાભાગના તલાટીઓ એકસાથે બે કે તેથી વધુ ગામો નો ચાર્જ સંભાળી રહ્યાં છે અને પ્રજા ના કામો પણ અપુરતા તલાટીઓ ના કારણે વિલંબ માં પડે છે.

(12:13 pm IST)