Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકામાં મેઘમહેર

સૂત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો: માણાવદર, માંગરોળમાં 7 ઈંચથી વધુ :વંથલી, દ્વારકા અને વેરાવળમાં 6 ઈંચથી વધુ વરસાદ ; 58 તાલુકાઓમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો

અમદાવાદ :  રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકામાં મેઘમહેર વરસી છે. જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે જૂનાગઢના માણાવદર, માંગરોળમાં 7 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી, દ્વારકા અને વેરાવળમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબકયો છે. રાજ્યના 58 તાલુકાઓમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

   વહેલી સવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

  વહેલી સવારે વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, છોટાઉદેપુર, સુરત, નવસારીમાં પણ સારો વરસાદ વરસ્યો છે.મહિસાગર જિલ્લામાં સવારથી જ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુરમાં વરસાદ વરસી રહ્યો છે.

(11:36 am IST)