Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો આ વર્ષે પણ રહેશે બંધ

ઘાતક મહામારીના કારણે રાજ્ય સરકારનો નિર્ણય

અમદાવાદ તા. ૯ : ગુજરાતમાં ઘાતક કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સંક્રમણ યથાવત રીતે જોવા મળી રહ્યું છે. સાથે સાથે દેશમાં પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતો પણ ત્રીજી લહેરની આગાહીની ચિંતા જણાવી ગયા છે, આ વચ્ચે રાજયમાં પણ ધાર્મિક મેળાવડાઓ પર રોક લગાવવામાં આવી રહી છે. રાજય સરકારે આવનારા તહેવારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે.

સુરેન્દ્રનગરના થાન તાલુકા તરણેતરના લોકમેળામાં પરંપરાગત રીતે ચઢાવાતી ધજા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેથી હવે ઋષિપાંચમે બાવન ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ચઢાવવામાં આવશે. દરજી પરિવારના સાતથી આઠ લોકો સ્વખર્ચે ૨૦ દિવસ સુધી તરણેતરની ધજા બનાવે છે. બાદ બાવન ગજની ધજા પાળિયાદ મહંતને અર્પણ કરે છે. બાદમાં પરંપરાગત રીતે ઋષિ પાંચમના દિવસે આ ધજા ચઢાવવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારની બાવન ગજની ધજામાં ભગવાન શંકર ૧૩૯ અને એક ઓમ સહિત ફૂલ ૧૪૦ની કૃતિઓ ધજા પર અંકિત કરવામાં આવે છે, જે લોકમેળાનું ખાસ આકર્ષણ છે.

સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા ગુજરાત રાજયનો તરણેતરનો મેળો આવર્ષે પણ સરકારે મહામારીને કારણે બંધ રાખ્યો છે. ગત વર્ષે પણ કોરોના વાયરસની બીમારીને કારણે બંધ રાખવામાં આવ્યો હતો. આ વખતે પણ રાજય સરકારે સંભવિત ત્રીજી લહેરના કારણે મેળો ન યોજવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે પરંપરાગત ધજારોહણ અને ભકિત અર્ચના માટેનીજ મંજૂરી આપવામાં આવી છે.

તરણેતરનો મેળો વિશ્વવિખ્યાત છે. સુરેન્દ્રનગર સહિત વઢવાણ, ધ્રાંગધ્રા, થાનગઢમાં પ્રખ્યાત મેળો યોજાય છે. આ મેળો સતત ૪ દિવસ સુધી યોજાય છે. મજાની વાત એ છે કે આ મેળામાં દેશ વિદેશથી બહોળી સંખ્યામાં લોકો મેળો માણવામાં આવતા હોય છે.

(10:25 am IST)