Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

શહેરની સિવિલ હોસ્પિટલમાં લાગેલી આગથી અફરાતફરી

દર્દી અને ડોક્ટરોના રેસક્યું કરાયા : દર્દીઓને ખસેડવામાં આવ્યા, સ્ટાફને ટ્રેનિંગ આપેલી હોવાથી તેઓએ તત્કાલ જાતે જ આગ બુઝાવી દીધી હતી

અમદાવાદ,તા.૮ :શહેરની સિવિલ હોસ્પિટલમાં ભયાનક આગની ઘટના બની છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગના પાંચમા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. ઓપીડીમાં હાજર તમામ દર્દી અને ડોક્ટર્સનું રેસક્યું કરવામાં આવ્યું હતું. તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસુ હોવાના કારણે પાણીજન્ય રોગોમાં ભારે ઉછાળો આવ્યો છે. જેના કારણે સામાન્ય દિવસોની તુલનાએ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. તેવામાં ઓપીડી વિભાગનાં જ પાંચમા માળે આગની ઘટના બનતા ભારે નાસભાગ મચી હતી.

            હાલ તો સિવિલ તંત્ર દ્વારા આગ વધારે વિકરાળ ન બને અને ઝડપથી કાબુમાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોક્ટર્સ અને દર્દીઓની બચાવ કામગીરી ચાલી રહી હોવાનું સિવિલ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું હતું.  આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જો કે હોસ્પિટલના કર્મચારીઓએ જ આગને તત્કાલ બુઝાવી દીધી હતી. હાલ તો દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપેલી હોવાથી તેઓ તત્કાલ જાતે જ આગ બુઝાવી દીધી હતી. જો કે આગ લાગવાના કારણે સિવિલ હોસ્પિટલના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ છે. હાલ તેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

 

(9:03 pm IST)