Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રત્નકલાકારને હનિટ્રેપમાં ફસાવી ૩.૫૦ લાખ પડાવ્યા

ગુજરાતમાં હનિટ્રેપના વધતાં કિસ્સા : સુરતના પુણા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને નકલી પોલીસ બની ટોળકીએ ફસાવીને તોડ કર્યો હતો

સુરત, તા.૯ : ગુજરાત અને શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઓનલાઈન તેમજ રૂરૂ મળીને હનીટ્રેપમાં ફસાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે. જોકે તેમ છતાં થોડા થોડા દિવસે કોઈને કોઈ આવી ટોળકીનો શિકાર બન્યાનું સામે આવતું રહે છે.

તાજેતરમાં સુરતના પુણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવીને ટોળકીએ નકલી પોલીસ બની સાડા ત્રણ લાખ રૂપિયા પડાવી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.

બનાવની વિગત મુજબ પુણા તિરૂપતિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર વૈભવ ચંદુ નાવડિયા સીતાનગર પાસે ઉભા હતા ત્યારે મંજુ નામની મહિલાએ સામેથી પ્રપોઝલ મૂકી અને શરીર સુખ માણવાની વાત કરી. મહિલાની વાતમાં આવી ગયેલા વૈભવે ફોન નંબરની આપ-લે કરી હતી. જે બાદ ૫મી ઓગષ્ટે મંજુએ વૈભવને ફોન કરીને શરીરસુખ માણવા પુણાની વિક્રમનગર સોસાયટી-૧માં બોલાવ્યો હતો.

વૈભવ મંજુએ બતાવેલી જગ્યા પર પહોંચ્યો હતો. એ જગ્યા પર મંજુની સાથે બીજી બે મહિલા પણ હતી. અહીં એક હજાર રૂપિયામાં વાત નક્કી કરીને એક મહિલા સાથે તેના રૂમમાં ગયો એટલી જ વારમાં અચાનક ૪ લોકો આવી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. ટોળકીએ કંટ્રોલમાંથી ફોન આવતા તેઓ પુણા પોલીસમાંથી આવ્યાનું કહીને અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાનું કહ્યું. આ સાથે જો પતાવટ કરવી હોય તો રૂ ૫ લાખ માંગ્યા હતા.

વૈભવે પોતે આટલી મોટી રકમ આપી શકે તેમ ન હોવાથી અને ૫૦ હજાર રૂપિયામાં પતાવટ કરવાનું કહ્યું હતું. જેથી ટોળકીએ પિસ્તોલ બતાવીને વૈભવને બે-ચાર તમાચા મારી કોઇક પણ રીતે ૫ લાખ લાવવાનું કહ્યું હતું. વૈભવે તેના મિત્રો પાસેથી ૩ લાખની વ્યવસ્થા કરી હતી. જેમાં વરાછામાં કોહિનૂર સોસાયટી પાસે મયુર કુંભાણી પાસેથી ૫૦ હજાર, કતારગામ જીઆઇડીસીમાં હર્ષદ અણધણ પાસેથી ૫૦ હજાર અને સણિયાગામેથી અજય ગોરાસિયા પાસેથી ૨ લાખ લઇને ટોળકીને સીમાડા ચોક પોસ્ટ પર આપ્યા હતાં. ધમકી આપીને ટોળકી ભાગી છૂટી હતી.

આ ઘટનાથી હતપ્રભ થઇ ગયેલા વૈભવે નાવડિયાએ બીજા દિવસે તેના મિત્રોને આ વાત કરી હતી. મિત્રોએ ફરિયાદ કરવાની હિંમત આપતા વૈભવ નાવડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં આરોપી મંજુ, હિરલ ઝાલા, ભારતી તથા ચાર અજાણ્યા નકલી પોલીસવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ફરિયાદી વૈભવ જ્યારે શરીરસુખ માણવા માટે મંજુને મળવા ગયો ત્યારે પુછ્યું હતું કે આ મકાન કોનું છે. ત્યારે મંજુએ કહ્યું કે આ મકાન દિલીપ ઝાલાનું છે અને સામે બેઠેલી બે પૈકી એક મહિલા દિલીપની પત્ની હિરલ ઝાલા છે.

(7:48 pm IST)