Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગાંધીનગરના ખોરજડાભીના મકાનમાં જુગાર રમાડતા શખ્સોને ઝડપી પોલીસે 1.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃતિ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે ખોરજડાભીના મકાનમાં હાઈપ્રોફાઈલ કોઈન આધારીત રમાડાતાં જુગારધામ ઉપર દરોડો પાડીને ૧૬ જુગારીઓ ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જુગારીઓ સામે સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.ખોરજ ડાભીનો જ ગીરીશસિંહ ઉર્ફે સરપંચ આ જુગારધામ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. 

શ્રાવણ મહિના પહેલા જ જિલ્લામાં જુગારની બદી શરૃ થઈ ગઈ હતી ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ખોરજડાભી ગામમાં મનહરનગરમાં રહેતો ગીરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી મકાનમાં પ્રથમ માળે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ રાખીને રેડ પાડી હતી. જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ સ્થળેથી પોલીસે ખોરજડાભીના ગીરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી, ભાવેશસિંહ ઈશ્વરસિંહ ડાભી, નાસીરખાન અલુખાન પઠાણ, દશરથજી બલાજી ઠાકોર, ભુપેન્દ્રસિંહ ભીખાજી ડાભી, રાજુજી કિશોરજી વાઘેલા, રણજીતસિંહ ભુપતસિંહ ડાભી, શૈલેષ જીવાભાઈ રાવળ, કરશનજી કચરાજી ઠાકોર, કડી ડાંગરવાના ભરતકુમાર રામપ્રસાદ માળી, અજય શંભુજી દંતાણી, રાજેન્દ્ર રામસ્વરૃપ માળી, કલોલ નારદીપુરના ભરતજી ચંદુજી ઠાકોર, રામાભાઈ કેશાભાઈ રાવળ, મહેસાણા વડાસ્માના ચિરાગ પ્રહલાદજી ચાવડા અને કલોલ વેડાના વનરાજસિંહ વિક્રમસિંહ ચાવડાને ઝડપી પાડયા હતા. પોલીસે આ જુગારધામ ઉપરથી ૧૯૧ નંગ પ્લાસ્ટીકના કોઈન, દસ મોબાઈલ અને રોકડ મળી ૧.૧૭ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. કોરોના કાળમાં ભેગા થઈને જુગાર રમવા બદલ જુગારીઓ સામે જાહેરનામાં ભંગ અને એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. 

(5:55 pm IST)