Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સિદ્ધપુરમાં દેથલી ચાર રસ્તા નજીક અગાઉ આંગડિયાની થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓમાંથી પોલીસે એકને ઝડપી પાડયો

સિદ્ધપુર: શહેરમાં દેથલી ચાર રસ્તા પાસે દોઢેક માસ અગાઉ આંગડિયાની થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓમાંથી એક આરોપીને પાલનપુર એસઓજીએ પાલનપુર ધનિયાણા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી આરોપી પાસેથી સોનાની વીંટી નંગ- ૮ તથા સોનાનું પેન્ડલ મળી કુલ રૃ.૧,૧૦,૮૬૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સિદ્ધપુરમાં દોઢેક માસ અગાઉ તા.૧૭/૦૬/૨૧ના સવારે આંગડિયા પેઢીનો કર્મચારી સોના-ચાંદીના દાગીના તેમજ હીરાનું પાર્સલ લઈ પેઢી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ચાર બુકાનીધારો દ્વારા છરી બતાવી રૃ.૬,૮૪,૦૩૦ લાખના મુદામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ લૂંટમાં સંડોવાયેલ એક આરોપી બનાસકાંઠામાં હોવાની બાતમી પાલનપુર એસઓજીને મળતા તાત્કાલિક પાલનપુર ધનિયાણા ચાર રસ્તા પાસેથી આરોપી દેવુસિંહ બાલસિંહ ચૌહાણ દરબાર રહે.કુબડા તા.સતલાસણા જી-મહેસાણા વાળાને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલ સોનાની વીંટી નંગ-૮ તથા એક સોનાનું પેન્ડલ સહિત કુલ રૃ.૧,૧૦,૮૬૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો

(5:53 pm IST)