Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આગામી પાંચ વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-૨ અંતર્ગત રૂ. ૧ લાખ કરોડના ખર્ચે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસના કામો હાથ ધરાશે : ટૂંક સમયમાં આદિજાતિના પાંચ જિલ્લાઓમાં મેડીકલ કોલેજો શરૂ કરાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત, રૂ. ૧,૨૨૨ કરોડના ખર્ચે ૭૦ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૪૮૭ કરોડના ખર્ચે ૧૯૯ કામોના લોકાર્પણ સંપન્ન : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાજપીપળા-નર્મદા ખાતે રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

રાજકોટ તા.૯ : આગામી પાંચ વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના ભાગ-૨ અંતર્ગત રૂ. ૧ લાખ કરોડના ખર્ચે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસના કામો હાથ ધરાશે. ટૂંક સમયમાં આદિજાતિના પાંચ જિલ્લાઓમાં મેડીકલ કોલેજો શરૂ કરાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ.

    વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત,  રૂ. ૧,૨૨૨ કરોડના ખર્ચે ૭૦ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૪૮૭ કરોડના ખર્ચે ૧૯૯ કામોના લોકાર્પણ સંપન્ન થયું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાજપીપળા-નર્મદા ખાતે રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો.

      આ તકે  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ,ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી બંધુઓએ આપેલુ બલિદાન, ત્યાગ અને તેમના સંઘર્ષની યશગાથા આજે પણ આપણા માટે પ્રેરણા સમાન છે.ગુજરાતના આદિવાસીઓનું દેશની આઝાદીની લડતમાં ખૂબ જ મહત્વનું પ્રદાન છે.૧૭૭૬થી ૧૯૪૭ સુધીના સંગ્રામમાં અનેક આદિવાસી વડવાઓએ પોતાનું બલિદાન આપ્યું છે .૧૮૫૭ના સંગ્રામમાં મેગાસી તરીકે ઓળખાતા આદિવાસી રાજાઓએ આઝાદીના સંગ્રામમાં ઝાંસીની રાણી સુધી મદદ- સહાય પહોંચાડી હતી .ઝાંબુઘોડાના નાયકાઓનો ૧૮૨૬થી ૧૮૬૮ સુધીનો સંગ્રામ ખૂબ જ મહત્વનો હતો.

         મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમા જણાવ્યું હતું કે આખી દુનિયામાં રાજ કરનાર અંગ્રેજો ડાંગના રાજા અને પ્રજાના ખમીર સામે ડાંગમાં પ્રવેશ કરી શક્યા ન હતા.માનગઢમાં ગોવિંદ ગુરૂની આગેવાનીમાં અનેક આદિવાસીઓએ બલિદાન આપીને અંગ્રેજોને પરાસ્ત કર્યા હતા .આદિવાસીઓએ હંમેશા પોતાની માતૃભૂમિ અને દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે.આપણા આદર્શ બિરસા મુંડા આદિવાસી સમાજના કલ્યાણ અને સ્વાંતત્ર્ય સંગ્રામમાં જોડાઇને અનેકના પ્રેરણા સ્ત્રોત હતા.બિરસા મુંડાની યાદમાં આજે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં તમામ સુવિધા યુક્ત “બિરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલય”નું ખાતમૂહુર્ત કરાયુ છે 

આ યુનિવર્સિટીમાં ૨,૦૦૦ જેટલા કુમાર- કન્યાને રહેવા- જમવાની સુવિધા તેમજ ૩,૦૦૦ વિદ્યાર્થીઓને અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.PhD સુધીનો અભ્યાસ ધરાવતી આ યુનિવર્સિટીના નિર્માણ થવાથી આદિવાસી યુવક-યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની શ્રેષ્ઠ કારકિર્દી નિર્માણ કરી શકશે.છેલ્લા ૫ વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ. ૬૦,૦૦૦ કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કરાયોછે.મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો અને વડાપ્રધાન તરીકે દેશમાં વિકાસની રાજનીતિ વધુ મજબુત બનાવી છે.ગુજરાતમાં ખોટા વાયદાઓ નહીં પણ ચોક્કસ કાર્ય કરીને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી સમાજનો સંતુલિત વિકાસ કર્યો છે 

       આદિવાસી વિસ્તારના ૫૨ તાલુકાઓ કોંગ્રેસની સરકારમાં વિકાસથી વંચિત હતા જ્યારે અમારી સરકારે શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, કૃષિ, રસ્તા, વિજળી અને જમીનના હક્ક સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે 

આદિવાસી પટ્ટામાં ૮૦૦થી વધુ નિવાસી શાળાઓ, પોસ્ટ મેટ્રિકનો અભ્યાસ કરતા ૮,૭૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને રૂ. ૩૪૪ કરોડની ભોજન સહાય.પ્રિ-મેટ્રિકના ૬૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય.આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે ઉદ્દેશથી છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૯૦ કરોડના ખર્ચે ૧૦૪ છાત્રાલયોનું નિર્માણ ,૪૩ લાખ આદિજાતી બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ વિતરણ,અંદાજે રૂ. ૩૨૮ કરોડના ખર્ચે હળપતી સમુદાય માટે ૨૩,૦૦૦ આવાસોનું નિર્માણ,રૂ. ૩૬૦૦ કરોડના ખર્ચે ૩૩,૦૦૦ જેટલા વિકાસ કામો સંપન્ન,વન અધિકારી નિયમ હેઠળ ૧૪,૦૦૦ દાવાઓમાં ૪૬ હેક્ટર જમીનના હક્કો વનબંધુઓને અપાયા છે.

      પાંચ લાખથી વધુ આદિવાસી ખેડૂતોને રૂ. ૧૬૫ કરોડના ખર્ચે ખાતર, બિયારણ કીટનું વિતરણ, પોશીના, દાંતા વિસ્તારમાં ડેરી પ્રોજેક્ટ માટે ૧૧૦ જેટલી સરકારી મંડળીઓને સહાય,આદિવાસી નિગમ દ્વારા ૧,૮૦૦ જેટલા આદિવાસી યુવાનોને ધંધા- રોજગાર માટે નજીવા વ્યાજદરે રૂ. ૩૫ કરોડનું ધિરાણ,રૂ. ૪૭૫ કરોડના ખર્ચે પીવાના અને સિંચાઇના પાણી સુવિધા,આદિવાસી વિસ્તારમાં મોબાઇલ કનેક્ટિવીટી માટે નવા ૫૦૦ મોબાઇલ ટાવર શરૂ કરાશે 

આદિવાસી ગામોના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સિંચાઇ માટે દિવસે વિજળીનો લાભ,ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં આદિજાતિ બંધુઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું

        વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી બાંધવોને શુભેચ્છા આપી અભિનંદન  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યા હતા.મુખ્યમંત્રીશ્રી અને આદિજાતિ વિકાસ મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓ હેઠળ પ્રમાણપત્ર, સહાય- ચેક વિતરણ કરાયુ હતું.મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનુસૂચિત જાતિના ૫.૫ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં ઓનલાઇન શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય પેટે રૂ. ૮૦ કરોડની સહાય જમા કરાયા છે.

    નોંધનીય છે કે, ડાંગ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સુરત ખાતે કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ, વલસાડ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તાપી ખાતે ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, પંચમહાલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, છોટાઉદેપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, નવસારી ખાતે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, ભરૂચ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, સુરત ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. 

જ્યારે દાહોદ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, તાપી ખાતે પશુપાલન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સુરત ખાતે પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, અરવલ્લી ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, સાબરકાંઠા ખાતે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મહીસાગર ખાતે વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર, બનાસકાંઠા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, છોટાઉદેપુર ખાતે રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, દાહોદ ખાતે અન્ન અને નાગરિક પુરવઠો રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરવલ્લી ખાતે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ પટેલ અને નવસારી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી આર. સી. પટેલ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, બોર્ડ- નિગમના ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિ ૯ ઓગસ્ટ- વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે રાજપીપળા ખાતે સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્યશ્રી ગીતાબેન રાઠવા, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, પદાધિકારીઓ- અધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ- લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:28 pm IST)