Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વહેલી ચૂંટણી યોજાવાની કોઈ શક્યતા નથી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ચૂંટણી થવાની અટકળોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ફગાવી : યુપીમાં ૨૦૨૨ની શરૂઆતમાં ચૂંટણી થવાની છે, જ્યારે ગુજરાતમાં શિડ્યૂલ પ્રમાણે ડિસેમ્બર ૨૦૨૨માં ચૂંટણી થશે

અમદાવાદ,તા.૯ : યુપીમાં ૨૦૨૨માં માર્ચ મહિના સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેની સાથે ગુજરાતમાં પણ ચૂંટણી યોજવામાં આવશે કે કેમ તે અંગે ચાલી રહેલી અટકળોને સીએમ રૂપાણીએ ફગાવી દીધી છે. રૂપાણીએ આજે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની કોઈ શક્યતા નથી. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં તેના સમય અનુસાર જ વિધાનસભા ચૂંટણી થશે,

અને તેને યુપીની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. ગુજરાતમાં જો નિર્ધારિત સમય પ્રમાણે ચૂંટણી યોજાય તો તેનો સમયગાળો ડિસેમ્બર મહિનાની આસપાસનો હોઈ શકે છે. યુપીમાં ગુજરાતથી નવેક મહિના વહેલી ચૂંટણી યોજવાની છે. તાજેતરમાં યુપીમાં કેટલીક રાજકીય ગરમાગરમી પણ જોવા મળ્યા બાદ ખુદ પીએમ મોદી અને અમિત શાહે ત્યાં મોરચો સંભાળ્યો છે.

તેવામાં યુપી સાથે ગુજરાતની ચૂંટણી યોજાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે, આજે સીએમ રૂપાણીએ તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ કદીય ચૂંટણીની રણનીતિ સાથે ચાલનારો પક્ષ નથી. રાજ્યમાં ગત ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપનો દેખાવ તેના રાજ્યમાં અત્યારસુધીના શાસનકાળમાં સૌથી ખરાબ રહ્યો હતો.

પક્ષના તત્કાલિન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તે વખતે ૧૫૦ બેઠકોનો ટાર્ગેટ કાર્યકર્તાને આપી રહ્યા હતા, પરંતુ ચૂંટણીમાં ભાજપને ૧૦૦ બેઠકો મેળવવામાં પણ ફાંફા પડી ગયા હતા. જોકે, ચૂંટણી બાદ થયેલી પેટા વિધાનસભા ચૂંટણીઓ, કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપમાં ભળી જેવી બાબતોને કારણે ભાજપે પોતાના સંખ્યાબળને ૧૧૦ની ઉપર પહોંચાડી દીધું છે. હાલ ગૃહમાં પણ સરકારની સ્થિતિ મજબૂત છે.

વળી, હાલમાં થયેલી છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ભાજપની પ્રચંડ જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા અને આમ આદમી પાર્ટી સુરત સિવાય ક્યાંય ઝાઝું નહોતી ઉકાળી શકી. આમ, શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી ચૂંટણીમાં પણ ભાજપનું પ્રદર્શન શાનદર રહ્યું હોવાથી પક્ષ પાસે આમેય વહેલી ચૂંટણી યોજવાનું કોઈ કારણ નહોતું.

(7:39 pm IST)