Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નર્મદા જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યુવરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડવાની માંગ સાથે કલેક્ટરને રજુઆત

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા: નર્મદા જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ સહિતનાં આગેવાનોએ યુવરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષામાં થતાં ગોટાળાઓ અને સરકારી ભરતીઓ માટે લેવાતી લેખીત પરીક્ષાના પેપરો લીકના કીસ્સાઓ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરાઈ રહ્યા છે.યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવેલા અવાજનાં કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી.

યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારને મદદરૂપ થઈ રહ્યા છે.સરકારે તો યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને ન્યાયિક તપાસની પ્રક્રિયામાં લાખો યુવાનોના પ્રશ્નોનુ તથા તેમના ભવિષ્યનું નિરાકરણ લાવવું જોઈએ, જેઓએ ગુન્હો કર્યો છે તેમના સાથે કાયદાકીય કાર્યવાહી કરીને સજા કરવામાં મદદ કરવી જોઈએ અને હાલ યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુન્હામાં સંડોવી ખોટી ગંભીર કલમોનો ઉપયોગ કરી હેરાન કરી રહ્યા છે.યુવરાજસિંહ જાડેજાને નિદોર્ષ જાહેર કરવા જોઈએ તેવી સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વ સંગઠનો તથા સેંકડો વિદ્યાર્થીઓની માંગ છે.જરૂર પડે તો તે માટે ઉગ્ર આંદોલન દ્વારા રજુઆત કરવામાં આવશે.

(11:32 pm IST)