Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

અમદાવાદ એરપોર્ટના રન વેનું રિ-કાર્પેટિંગનું કામ પૂર્ણ થયા બાદ 250 ફ્લાઇટ્સ કાર્યરત થશે

ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા: દૈનિક પેસેન્જર લોડ 25 હજાર પહોંચવાની શક્યતા

અમદાવાદ એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું અને 15 એપ્રિલથી ફ્લાઈટ્સ માટે રનવે ખુલ્લો મુકવામાં આવશે. રિ-કાર્પેટિંગનું કામ 17મી જાન્યુઆરીથી 31મી મે દરમિયાન સવારે 9થી સાંજે 6 વાગ્યા દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું, પણ કામ 45 દિવસ વહેલા પૂર્ણ થયું હતું.15 એપ્રિલથી, હાલની 140 ની સામે દૈનિક 250 ફ્લાઇટ્સ કાર્યરત થશે.રન વે બનાવવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ગઇ છે.

પ્રવાસન સ્થળો માટે કનેક્ટીંગ ફ્લાઈટ્સ અને ડાયરેક્ટ ફ્લાઈટ્સની માંગમાં નોંધપાત્ર વધારો થશે. મુસાફરોએ ઈન્ડિગો, ગો-એર, સ્પાઈસ જેટ અને વિસ્તારાએ દહેરાદૂન, જમ્મુ, બાગડોગરા, શ્રીનગર અને કોચી માટે વધારાની સીધી ફ્લાઈટ્સની માંગ કરી હોવાનું એરપોર્ટના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. રનવે ફરી ખુલ્યા બાદ મુસાફરોને પ્રવાસન સ્થળો માટે સારી સંખ્યામાં ફ્લાઈટ્સ મળશે. હાલમાં, દેહરાદૂન, જમ્મુ, શ્રીનગર અને બાગડોગરા જેવા સીધા ગંતવ્યોના હવાઈ ભાડા ખૂબ ઊંચા છે. કેટલીક એરલાઈન્સે પણ લેહના સ્લોટ માટે અરજી કરી છે.

એરપોર્ટ ઓથોરીટીના સૂત્રો અને રનવે બનાવવાની કામગીરી કરતા સૂત્રોના જણાવ્યા મુજબ 14 એપ્રિલ સુધીમાં રન વેની કામગીરી પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ઓર્થોરિટીને સોંપી દેવામાં આવશે. એરપોર્ટના રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે આ રન વે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે.

આ રન વે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રન વે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે રન વેની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે 14 એપ્રિલ સુધીમાં આ તેને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે.

(8:46 pm IST)