Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ભાજપને વિકાસના નામે સતા સોંપાયા બાદ ચૂંટણી આવતાની સાથે જ નફરતના વાવેતર

વાવેતર બેકારી-મોંઘવારી-શિક્ષણનું કથળતુ સ્તર સામે બીજેપી સરકારની ખરાબ નીતિઓ વગેરેનો વિરોધ કરી શકતા નથી.

અમદાવાદ :વિકાસ માટે દેશવાસીઓએ બીજેપીને બહુમતી અપાવીને સત્તા તેમના હાથમાં સોંપી છે. જોકે, વિકાસની જગ્યાએ ચોક્કસ રીતે દેશભરમાં નફરતનો માહોલ ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી સત્તાને સ્થાપિત કરવા માટે બીજેપીએ મુસ્લિમો પ્રત્યે નફરત ઉભી કરવામાં કોઈ જ કસર છોડી નથી.

ચૂંટણીઓ આવતાની સાથે જ હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરત ફેલાય તેવા નિવેદનો બીજેપીના નેતાઓ તરફથી આવવા લાગે છે. હવે ગુજરાતની જ વાત કરીએ તો સીઆર પાટીલે ટોપીના નિવેદન થકી મુસ્લિમોને ટાર્ગેટ કર્યા છે. જોકે, રાજ્યમાં મોંઘવારી-બેકારી પોતાની ચરમ ઉપર પહોંચી ગઈ છે, તેના કારણેે જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિત રોટી પણ ગરીબોના પહોંચથી દૂર થઈ રહી હોવા છતાં  તેના અંગે કોઈ પણ નેતા વાત કરી રહ્યો નથી. જોકે, તે વાતોથી ધ્યાન ભટકાવવા માટે નફરતનો સાધનના રૂપમાં ઉપયોગ થઈ રહ્યો છે.

ગુજરાતમાં વર્ષોથી સત્તા ઉપર રહેલી બીજેપીએ બેકારીને કંટ્રોલ કરવા માટે પૂરતા પ્રમાણમાં કોશિશ કરી નથી. અત્યારે ગુજરાતમાં નજીવી જગ્યાઓ માટે સરકારી નોકરીઓમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાઈ રહ્યાં છે. તો બીજી તરફ બીજેપીના નેતાઓ પોતાને રાજા સમજવા લાગ્યા છે.

ગુજરાતમાં બીજેપી સરકાર દરમિયાન વધતી બેકારીની સંખ્યાની સાથે-સાથે શિક્ષણનું સ્તર પણ બગડતું રહ્યું છે. તે કહેવાની જરૂરત નથી કે સરકારી શાળાઓની સ્થિતિ પણ કથળી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે. બિલાડીની ટોપની જેમ ખાનગીશાળાઓ ફૂટી નિકળી છે, જેઓ વાલીઓ પાસેથી મસમોટી ફિ ઉઘરાવી રહી છે.

તો બીજી તરફ સરકારી શાળાઓની સ્થિતિ એટલી હદ્દે કથળી ગઈ છે કે તેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મજબૂરીના કારણે પોતાના બાળકોને ભણાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

તેવામાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન વર્તમાનમાં ટ્રેડિંગમાં ચાલી રહ્યું છે. તેમના આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં રાજાશાહી આવી ગઈ છે. તેઓ ગુજરાતીઓને કહી રહ્યાં છે કે, શિક્ષણ ના ગમતું હોય તો બીજા રાજ્યમાં જતા રહો. કેમ ભાઈ? શું તમે ગુજરાતના નાથ છો? આ પ્રશ્નનો જવાબ કદાચ તમે ભૂલી ગયા હોવ તો જણાવી દઈએ કે, તમે જનતાના નોકર છો અને ગુજરાતમાં શિક્ષણના સ્તરને સુધારવાની જવાબદારી વર્તમાનમાં તમને સોંપવામાં આવી છે.

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પાસેથી શિખામણ લઈને ગુજરાતના બાળકોને યોગ્ય સ્તરનું શિક્ષણ આપવાની જગ્યાએ શિક્ષણ મંત્રી પોતે જ રાજ્યના વાલીઓને ધમકાવી રહ્યાં છે તે તેમની નિષ્ફળતા દર્શાવે છે.

ગુજરાતમાં વર્ષોથી સત્તામાં રહેલી બીજેપી હવે પોતાને રાજા ગણી રહી છે. જે પ્રજાએ તેમને તેમની સેવા કરવા માટે સત્તા સોંપી છે, તેમને જ ધમકાવવામાં આવી રહી છે. યુવા નેતા યુવરાજ સિંહનું ઉદાહરણ આપણી સામે છે. જેને બેરોજગારી વિદ્યાર્થીઓને લઈને અવાજ ઉઠાવ્યો તો તેને સામ-દામ અને દંડની નીતિ અપનાવીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં તમે બેકારી-મોંઘવારી-શિક્ષણનું કથળતુ સ્તર, બીજેપી સરકારની ખરાબ નીતિઓ વગેરેનો વિરોધ કરી શકતા નથી. કદાચ તેનો વિરોધ કરવાથી તમે દેશદ્રોહી બની શકો છો. જે પણ વિરોધ પ્રદર્શન કરે છે તેને ગમે તે ધંગધડા વગરના કારણ દર્શાવીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે છે.

આમ હવે ગુજરાતીઓ ગુલામીની સ્થિતિમાં આવી ગયા છે. તેઓ બીજેપીની સરકાર સામે કંઈ જ બોલવા માટે સક્ષમ રહ્યાં નથી.

જોકે ગુજરાતમાં આટલી બધી સમસ્યાઓ હોવા છતાં બીજેપી જીતવામાં સફળ થઈ રહે છે, કેમ? કેમ કે ગુજરાતીઓના દિલો-દિમાગમાં મુસ્લિમોનો એટલો બધો ડર બેસાડી દેવામાં આવ્યો છે કે તેની કોઈ સીમા નથી. બીજેપી પોતાને તારણહારના રૂપમાં દર્શાવી રહી છે અને કહી રહી છે કે, આ ટોપીઓવાળા તમારા ઘરમાં આવીને તમને મારી જશે જો અમે નહીં હોઈએ તો? જોકે, તેમની આ વાત માત્રને માત્ર એક ભ્રમ છે. તેઓ ગુજરાતની જનતાને ભ્રમમાં રાખીને સત્તા મેળવવાની કોશિશ કરી રહ્યાં છે. સ્વભાવિક છે કે કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ક્યારે ઝગડો કરે છે જ્યારે તેના સાથે વ્યક્તિગત કારણોસર મન દુ:ખ થયો હોય. આમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બીજેપી સતત જીત મેળવી રહી છે.

હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં બીજેપીના નેતાઓ વિકાસની વાતોને અભરાઈ ઉપર ચડાવીને હિન્દુ-મુસ્લિમના નફરતી ભાષણો તરફ પ્રયાણ કરશે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે તેઓ દેશની જ બે કોમ્યુનિટી વચ્ચે ઝેર ભરી રહ્યાં છે, જે આપણા રાજ્ય સહિત દેશમાં ધાર્મિક રીતે અનેક ભાગલાઓ પાડી શકે છે. અંગ્રેજો પહેલા જ ભારતના બે ટૂકડા કરી ચૂક્યા છે, તેવામાં બીજેપી પણ તેમના રસ્તા ઉપર ચાલી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જેવી રીતે ભાજપ 1990માં સમજી ગઈ હતી કે જો દલિત-મુસ્લિમ અને ક્ષત્રિય મતદારો કોંગ્રેસની સાથે રહશે તો તેમને ચૂંટણી જીતવા માટે પટેલોને સાથ જરૂરી છે. તેવી જ રીતે હવે બીજેપી સમજી ચૂકી છે કે, હિન્દુ મતદાતાઓને અન્ય ધર્મના લોકોનો ડર બતાવીને જ ચૂંટણી જીતી શકાશે.

મહત્વપૂર્ણ છે કે, જનતાને જાગૃત થવું જરૂરી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે નફરત ફેલાવવાથી જ સત્તા મળી જતી હોય તો વિકાસ કરવાની શું જરૂરીત છે.

તેથી હવે ગુજરાતીઓ પર આગામી વિધાનસભા ચૂંટણી સુધીમાં મોટા પ્રમાણમાં નફરતી ભાષણોનો મારો થશે, તેનાથી બચવા માટે તમારે ભગવાન રામ અને ચાણક્ય જેવા નીતિકારોની વાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે.

 

(8:11 pm IST)