Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સુરત ટેક્ષટાઇલ માર્કેટવાળી જમીનની લીઝ રિન્યૂના લેવાપાત્ર રૂા.70.50 કરોડની રકમ વસુલવામાં પાલિકાના શાસકો નિષ્ફળ

લીઝ રિન્યૂ કર્યાના 4-4 વર્ષ થઇ ગયા હોવા છતાં વેપારીઓએ એક પણ હપ્તો ન ભરતાં વિવાદ વકર્યો

સુરત ટેક્ષટાઇલ માર્કેટવાળી જમીનની લીઝ રિન્યૂના લેવાપાત્ર રૂા.70.50 કરોડની માતબર રકમ વસુલવામાં પાલિકાના શાસકો નિષ્ફળ પુરવાર થયા છે. લીઝ રિન્યૂ કર્યાના 4-4 વર્ષ થઇ ગયા હોવા છતાં વેપારીઓએ એક પણ હપ્તો ન ભરતાં વિવાદ વકર્યો છે

બીજી તરફ શાસકો પણ કાર્યવાહી કરવાને બદલે તમાશો જોઇ રહ્યા છે. લીઝ રિન્યૂની 127 કરોડની રકમ વાર્ષિક 12.70 કરોડના હપ્તે 4 ટકા વ્યાજ અને જીએસટી સહિતના ટેક્ષ સાથે 10 હપ્તામાં ભરપાઇ કરવાની હતી. 18 એપ્રિલ 2018થી 5 ફેબ્રુઆરી 2022ની સ્થિતિએ કુલ 70.50 કરોડની રકમ તથા વર્ષ 2022-23ના હપ્તા પેટે સાદા વ્યાજ સહિતની ગણતરી મુજબ 15.83 કરોડ 18 ટકા જીએસટી સહિતના અન્ય ટેક્સ સાથે ભરપાઇ કરવાની છે.

ટાઉન પ્લાનીંગ વિભાગે 5 ફેબ્રુઆરીનએ એસટીએમ કો.ઓપ.શોપ્સને પત્ર લખ્યો હતો. જો કે, અત્યાર સુધીમાં ફદિયુ પણ જમા કરાવાયું નથી. આ પ્રકરણમાં હંમેશા વેપારીઓના હિતમાં જ નિર્ણયો લેવાયા છે ત્યારે વેપારીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. બીજી તરફ કોઇ આમ દુકાનદારનું ભાડું કે વેરો બાકી હોય તો તરત જ સીલ મારી દેવાય છે.

ઉમરવાડા સર્વે નં 95, 96વાળી 24435 ચોમી જગ્યા એસટીએમ સોસાયટીને ફાળવી હતી. જેની મુદત 13 એપ્રિલ 2018ના રોજ પૂર્ણ થતાં 2019માં લીઝ રૂા.127 કરોડની રકમ વાર્ષિક 4 ટકા વ્યાજે 10 હપ્તામાં ચુકાવવાના ઠરાવ સાથે રિન્યુ કરાઇ હતી. 2021માં આ જ ઠરાવમાં લીઝનો સમયગાળો 49થી 99 વર્ષ કરાયો હતો.

માર્કેટના કુલ 1033 પૈકી 600 દુકાનદારોના 23 કરોડ આવ્યા છે. કોરોનામાં ભાડાની રકમ ભરી શક્યા ન હતા. હાલમાં ધંધો પાટા ઉપર આવ્યો છે. આગામી દિવસોમાં પેમેન્ટ કરીશું. – હરબંસલાલ અરોરા, પ્રમુખ, એસટીએમ

 

(7:53 pm IST)