Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

વડોદરા નજીક જાંબુઆ ડમ્પિંગ સાઈટ પર સવારના સુમારે કચરાના ઢગલામાં આગ ભભૂકતા નાસભાગ મચી જવા પામ્યો

વડોદરા:શહેર નજીક આવેલા જાંબુઆ ડમ્પિંગ સાઇટ પર આજે સવારના સુમારે કચરાના ઢગલામાં આગ લાગતા નાસભાગ મચી હતી. સમગ્ર વડોદરા શહેરનો કચરો અહીં ડમ્પિંગ સાઇટ પર લાવવામાં આવે છે. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરમાં ડોર-ટુ-ડોર ફરીને કચરો એકત્રીત કરી જાંબુઆ ખાતે આવેલી ડમ્પિંગ સાઇટમાં ઠાલવવામાં આવે છે. જે કચરાને પ્રોસેસ કરવાની જવાબદારી ઝીગ્મા એનવાયરો પ્રાઇવેટ લિમિટેડની છે. જોકે ધીમી ગતિની કામગીરીના કારણે રોજેરોજ કચરાનો ઢગલો વધતો જઈ રહ્યો છે. આજે સવારે ડમ્પિંગ સાઇટ પર પાછળના ભાગે એકાએક આગ લાગતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નજીકમાં કચરાના પ્રોસેસનો યુનિટ આવેલું હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક કર્મચારીઓએ ડમ્પિંગ સાઇટની પાછળના ભાગે આવેલી નદીમાંથી પાણી ઉલેચીને લાગેલી આગ પર છાંટ્યું હતું .જ્યારે ઉપરના ભાગેથી કચરો પણ આગ પર ઠાલવવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. થોડા વર્ષો અગાઉ પણ ડમ્પિંગ સાઇટ પર આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે ત્રણ થી ચાર દિવસ જેટલો સમય લાગ્યો હતો.

(5:14 pm IST)