Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ખેડા તાલુકામાં ભઠ્ઠા પર રહેતી કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર શખ્સને અદાલતે 20 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : ખેડા તાલુકામાં ભઠ્ઠા પર રહેતી એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર શખ્સને નડિયાદ પોક્સો કોર્ટ દ્વારા ૨૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ભગાડી ગયા પછી કિશોરીને આરોપીએ બે વખત ગર્ભવતી બનાવી હતી અને એક સંતાનનો પણ જન્મ થયો હતો. કોર્ટ દ્વારા પીડિતાને વળતર પેટે રૂપિયા બે લાખ ચૂકવવા અને સંતાનના ભવિષ્ય માટે રૂપિયા ત્રણ લાખ ફિક્સ ડિપોઝિટ કરાવવા માટે પણ આદેશ આપ્યો હતો. ભગાડી ગયા પછી આ પરપ્રાંતિય શ્રમિકે કિશોરીને લાંબો સમય ગોંધી રાખી હતી.

ખેડા તાલુકાના નાયકા ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો એક શખ્સ ભઠ્ઠા પર રહેતી એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ શખ્સે કિશોરીને લાંબા સમય સુધી ગોંધી રાખી બે વાર ગર્ભવતી બનાવી હતી. દરમિયાન કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. અને બીજો આઠ માસનો ગર્ભ રહ્યો હતો. જે અંગેનો કેસ નડિયાદની પોક્સો અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપી શખ્સને વીસ વર્ષની સખ્ત કેદની સજા તથા ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર તરીકે અને રૂ.૩ લાખ બાળકના ભવિષ્ય માટે ફિક્સ ડિપોઝિટ કરવાનો હુકમ કર્યો હતો. ખેડા તાલુકાના નાયકા ખાતે જગદીશભાઈ પ્રજાપતિનો ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ ભઠ્ઠા ઉપર યુપીના વિનોદ મોહનસિંહ જાદવ મજૂરી  કામ કરતો હતો. દરમિયાન તા. ૮ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે ભઠ્ઠા પર રહેતી એક શ્રમજીવીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તેણીના કાયદેસરના વાલિયણામાંથી ભગાડી ગયો હતો. વિનોદે કિશોરીને લાંબા સમય સુધી ગોંધી રાખી અવાર-નવાર જાતીય અત્યાચાર ગુજારી બે વાર ગર્ભવતી બનાવી હતી. દરમિયાન સર્ચ વોરંટના આધારે પોલીસે વિનોદ તથા કિશોરીને ઝડપી પાડી અટકાયત કરી હતી. આ વખતે કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો અને બાળક દોઢ વર્ષનું હતું. જ્યારે તેને બીજો આઠ માસનો ગર્ભ હતો. આ અંગેનો કેસ નડિયાદની પોક્સો અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશ ડી.આર.ભટ્ટ એ સરકારી વકીલ મૃગાબેન વી. દવે ની દલીલો ધ્યાને લઇ આરોપી વિનોદ જાદવને વીસ વર્ષ સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

(5:08 pm IST)