Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

નડિયાદમાં આઇએલટીએસની પરીક્ષામાં અમદાવાદના ડમી વિદ્યાર્થીને ઝડપી ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

નડિયાદ : નડિયાદ શહેરમાં લેવાયેલી આઈએલટીએસની પરીક્ષા માં અમદાવાદના એક વિદ્યાર્થીએ પોતાના નામનો ડમી વિદ્યાર્થી બેસાડી દીધો હતો. દરમિયાન ટેસ્ટ ડે સુપરવાઇઝરે આ ડમી વિદ્યાર્થીને ઝડપી પાડતા બે પરીક્ષા સુપરવાઇઝરે આ બંને વિદ્યાર્થીઓ ને કાઢી મુક્યા હતા. આ બનાવ સંદર્ભે ટેસ્ટ ડે સુપરવાઇઝરે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં શાહીબાગ, નીલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતા મીત જયેશભાઈ પટેલ તા.૫ મીના રોજ નડિયાદ દેવ હોટલ ખાતે આઈ.ઈ.એલ.ટી.એસ. ની પરીક્ષા આપવા આવ્યો હતો. દરમિયાન સુપરવાઇઝરે કોલ લેટર, ફોટો તથા પાસપોર્ટ વેરિફિકેશન કરી પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં મોકલ્યો હતો. આ દરમિયાન પરીક્ષાખંડમાં સુપરવાઇઝર માસૂમ ઉદયભાઈ જોશી (રહે.અમદાવાદ) અને ધુ્રમિલ શૈલેષભાઈ રાજપૂત (નડિયાદ) હાજર હતા. દરમિયાન મીત વોશરૂમ જવાનું કહી બહાર નીકળ્યો હતો, આ વખતે મિતની જગ્યાએ ડમી વિદ્યાર્થી બેસી ગયો હતો. દરમિયાન આ બનાવની જાણ ટેસ્ટ ડે સુપરવાઇઝર રાઘવ શર્મા, રાજેન્દ્ર, હરીદત્ત શર્માને થતા તેઓએ ડમી વિદ્યાર્થીને ઝડપી પાડયો હતો. ત્યારબાદ અસલી મીત પટેલને પણ ઝડપી પાડયો હતો. આ વખતે તેઓ બંને વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા હતા, ત્યારે સુપરવાઇઝર માસુમ જોશી અને ધુ્રમિલ રાજપૂતે તેઓને આથક લાભ અપાવવાની વાત કરી હતી. જે સંદર્ભે તેઓએ ઉપરી અધિકારીને જાણ કરવાનું કહેતા સુપરવાઇઝરએ બંને વિદ્યાર્થીઓને ભગાડી મૂક્યા હતા. આ બનાવ સંદર્ભે રાઘવ શર્માની ફરિયાદના આધારે શહેર પોલીસે મીત પટેલ, માસુમ જોષી, ધુ્રમિલ રાજપૂત તથા ડમી વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:06 pm IST)