Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

ગાંધીનગરમાં પાણીના વેરાના બાકીદારોને ભરપાઈ કરવા નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને ન્યુક્લિયસ વિલેજીસમાં મળીને પાણી અને ગટર વેરાની આગોતરી ઉઘરાણી કરવામાં પાટનગર યોજના વિભાગને રૃપિયા ૩ કરોડના માગણા સામે અત્યાર સુધીમાં માત્ર રૃપિયા ૯૦ લાખ જેટલી આવક થઇ છે. બીજી બાજુ આગોતરા કરની રકમ ભરનારા ગ્રાહકોને આપવામાં આવતા ૧૦ ટકા વળતરની સમય મર્યાદા તો ગત તારીખ ૩૧મી માર્ચના રોજ પહેલાથી જ કરાયેલી જાહેરાત મુજબ પુર્ણ કરી દેવામાં આવી છે.

વિભાગની પાણી શાખાના ઇજનેરી સુત્રોમાંથી જણાવવામાં આવ્યા પ્રમાણે પાટનગરના સેક્ટર વિસ્તારમાં જ ૨૬ હજાર જેટલા કરવેરાના બિલ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યા હતાં. ઉપરાંત શહેરી ગામોના વિસ્તારમાં અપાયા હતાં. ત્યારે શહેરી વિસ્તારના પાણી વાપરનારા ગ્રાહકો દ્વારા સૌથી વધુ બિલ ભરપાઇ કરીને બિલની રકમ પર અપાતા ૧૦ ટકા વળતરનો લાભ લેવામાં આવ્યો હતો.  પાટનગર યોજના વિભાગની પાણી શાખાને પાણી ગટર વેરાના બિલ ભરાપાઇ નહીં કરનારા બાકીદારોમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોની સંખ્યા મોટી હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું. આ વખતે કરવેરાના બિલની સામે જોકે ૩૦ ટકા જેટલી વસૂલાત આવી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ વધુ છે. ૩ કરોડના અંદાજીત માગણા સામે ૯૦ લાખની આવક પાણી શાખાને થઇ ચૂકી છે. દરમિયાન એપ્રિલ મહિનાના અંત પહેલાં જ બાકીદારો પાસેથી કરની વસૂલાત મેળવવા માટે નોટિસો તૈયાર કરી દેવાની સુચના ઉપરી અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવતાં કર્મચારીઓ કામે લાગી ગયાં છે. 

(5:05 pm IST)