Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

સોમવારથી ધો. ૧૦-૧૨ની ઉત્તરવહી મૂલ્‍યાંકન કામગીરીનો પ્રારંભ

ગુજરાતના ૩૭૧ મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્રો ઉપર ૬૧ હજારથી વધુ શિક્ષકો ઉત્તરવહી તપાસશે : સમયસર પરીક્ષાનું પરિણામ જાહેર કરવા કવાયત : રાજકોટમાં તા. ૧૨ અને ૧૩થી મૂલ્‍યાંકન શરૂ થવાની સંભાવના

રાજકોટ તા. ૯ : ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૦ અને ધો. ૧૨ની માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા હવે પૂર્ણતાના આરે છે ત્‍યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાનું સમયસર પરિણામ જાહેર કરવા વિવિધસ્‍તરે કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે.
રાજકોટમાં ચૌધરી હાઇસ્‍કુલ, અમથીબા હાઇસ્‍કુલ, બારદાનવાલા સ્‍કુલ, બાલકિશોર સ્‍કુલ, સરદાર પટેલ સ્‍કુલ મવડી ખાતે ઉત્તરવહી મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્ર શરૂ થશે. હજુ વધુ કેન્‍દ્રોની ફાળવણી થશે.
આગામી ૧૧મી એપ્રિલથી ધો.૧૦ અને ૧૨મી એપ્રિલથી ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની ઉત્તરવહીની મૂલ્‍યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. સાયન્‍સની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી ૧૩મી શરૂ કરાશે.
રાજયના કુલ ૩૭૧ કેન્‍દ્રો પરથી મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં ૬૧ હજારથી વધારે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. ધો.૧૨ સાયન્‍સની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી ૧૩મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. ધો.૧૦ અને ૧૨માં જેટલા વિષયની પરીક્ષા પુર્ણ થઇ તેની ઉત્તરવહીઓ હાલ જે તે મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્ર સુધી પહોચતી કરવામાં આવી રહી છે.
ધો.૧૦ની ઉત્તરવહી ચકાસણી માટે કુલ ૧૭૪ કેન્‍દ્રો પર ૨૪,૭૦૦ શિક્ષકો કામગીરી કરશે. આ જ રીતે ધો.૧૨ સાયન્‍સની ઉત્તરવહીઓ માટે ૬૦ કેન્‍દ્રો પર અંદાજે ૯ હજારથી વધારે શિક્ષકો કામગીરી કરશે. ધો.૧૨ સામાન્‍ય પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણી માટે ૧૩૭ કેન્‍દ્રો પર ૨૭,૪૦૦ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.
હાલમાં બોર્ડ દ્વારા મૂલ્‍યાંકનની કામગીરી માટેના ઓર્ડર જે તે કેન્‍દ્રોને મોક્‍લવામાં આવી રહ્યા છે. આ વખતે પોરબંદર, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ અને નર્મદા જિલ્લાના શિક્ષકોને મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકનની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજયની કેટલીક ખાનગી શાળાઓ પણ શિક્ષકોને આ કામગીરી માટે મોકલતી નથી. બોર્ડ દ્વારા હવે શિક્ષકોને મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકનની કામગીરી માટે ન મોક્‍લતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
તાજેતરમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને લઇને મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકનની કામગીરીનો બહિષ્‍કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. જોકે, સમયસર શિક્ષકોની પડતર માંગણીઓ અંગે સમાધાન થતાં હવે મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકનની કામગીરી સમયસર શરૂ થઇ શકશે.

 

(2:52 pm IST)