Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કાલે ઉમાધામ ગાંઠીલામાં પાટોત્‍સવ : નરેન્‍દ્રભાઇ વિડીયો કોન્‍ફરન્‍સથી જોડાશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો માતાજીના દર્શન પૂજા અર્ચના કરશે : મા ઉમિયાના પાટોત્‍સવમાં ૪૦ હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદ-ફરાળનો લાભ લેશે : ચોખા ઘી નો મેસુબ અને ચુરમાના વિશેષ ઉમા મહાપ્રસાદનું આયોજન : કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રીશ્રીઓ, ઇફકોના ચેરમેન ઉપસ્‍થિત રહેશે : આરોગ્‍ય કેમ્‍પ-મહિલા સંમેલન સહિત જનચેતના ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે

જૂનાગઢ તા.૮ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને તા.૧૦ એપ્રિલના રોજ જૂનાગઢ પાસે ઉમાધામ ગાંઠીલા ખાતે મા ઉમિયાનો ૧૪ મો પાટોત્‍સવ યોજાશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી લાઇવ વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાઇને પાટીદાર સમાજને શુભેચ્‍છા સંદેશ પાઠવશે. સાંસદશ્રી સી.આર.પાટીલ આ પ્રસંગે આયોજીત સમારોહનું ઉદ્દઘાટન કરશે.

ઓઝતના કાંઠે ૧૦ વિઘા જેટલા વિશાળ જમીનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૪૦ હજારથી વધુ ભાવિકો બપોરે ફરાળ સાથે સાંજે ચોખા ઘીનો મેસુબ, ચુરમાના વિશેષ ઉમા મહાપ્રસાદનો લાભ લેશે. ૧૫૦૦થી વધુ સ્‍વયં સેવકો ૩૦ જેટલી સમિતિ વિવિધ વ્‍યવસ્‍થાઓ સંભાળશે.

પાટીદાર સમાજ તમામ સમાજને પ્રેરણા આપતી વિશેષ પહેલ માટે કાયમી અગ્રેસર રહે છે. આ પાટોત્‍સવના માધ્‍યમથી જનચેતના ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. સમાજ માટે ઉપયોગી આરોગ્‍ય કેમ્‍પની સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વિનામૂલ્‍યે નેત્રમણી સાથેનો ઓપરેશન કેમ્‍પ, કેન્‍સર જાગળતિ અભિયાન તેમજ આયુર્વેદ નિદાન કેમ્‍પને સાંકળીને સમાજને આરોગ્‍યપ્રદ જીવનનો સંદેશો અપાશે.

આ ૧૪માં પાટોત્‍સવમાં કેન્‍દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલા, કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અરવીંદભાઇ રૈયાણી,ગ્રામ વિકાસ રાજ્‍યમંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા, , સાંસદશ્રી રમેશભાઇ ધડુક, શ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી રમેશભાઇ ધડુક, શ્રી મોહનભાઇ કુંડારિયા સહિત પટેલ સમાજના આગેવાનો ધારાસભ્‍યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ-ઉદ્યોગપતિઓ, દાતાઓ ઉપસ્‍થિત રહેશે.

મહિલા શક્‍તિને પ્રોત્‍સાહન આપવા સાથે મહિલા સશક્‍તિકરણ માટે વિશેષ મહિલા સંમેલન આ પ્રસંગે યોજાશે. જેમાં બહોળી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહેશે. જેમાં શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય વક્‍તવ્‍ય આપશે. પાટોત્‍સવ ઉજવણીમાં સહભાગી થવા મા ઉમિયાના પરીવારજનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્રસંગે ઉપસ્‍થિત રહેનાર મહેમાનોનું ભાવભર્યું સ્‍વાગત-સન્‍માન કરાશે. અહીં સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

(1:06 pm IST)