Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

પિરોટન ટાપુને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવાશે

બ્‍લયુ ફલેગ ટેગ માટે અરજી કરવામાં આવશે માસ્‍ટર પ્‍લાન થઇ ગયો છે તૈયાર

અમદાવાદ, તા.૯: જામનગરમાં મરીન નેશનલ પાર્કના ભાગરૂપે પીરોટન ટાપુને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવા રાજય સરકાર આયોજન કરી રહી છે. ત્‍યાં બીચ બનાવવા માટે બ્‍લયુ ફલેગ ટેગ મેળવવાનો પણ સરકારનો ઇરાદો છે. ૧૦૦ હેકટરમાં ફેલાયેલ આ ટાપુ પોતાના ગાઢ મેન્‍ગ્રુવ્‍સ, પરવાળા અને ખાસ જળસૃષ્‍ટિ માટે પર્યાવરણવાદીઓમાં વિખ્‍યાત છે.

રાજયના વન વિભાગના એક અધિકારીએ કહ્યું કે અમે રાજયમાં તેને ઇકો-ટુરીઝમ સ્‍પોટ તરીકે વિકસાવવા માંગીએ છીએ. વિચાર એવો છે કે આ સંવેદનશીલ જગ્‍યાને એવી રીતે વિકસાવવામાં આવે કે જેથી અહીંની ઇકો સીસ્‍ટમ ડીસ્‍ટર્બ ના થાય.

અધિકારીએ કહ્યું કે વન વિભાગે અન્‍ય વિભાગો જેવા કે પ્રવાસન વિભાગ, ફીશરીઝ ડીપાર્ટમેન્‍ટ, ભારતીય કોસ્‍ટ ગાર્ડ, મરીન પોલીસ અને મરીન ટાસ્‍ક ફોર્સ સાથે મળીને એક માસ્‍ટર પ્‍લાન તૈયાર કર્યો છે. જેમાં સોશ્‍યો-ઇકોનોમીક ડેવલપમેન્‍ટ, ઇન્‍ફાસ્‍ટ્રકચર ડેવલપમેન્‍ટ, કુદરતનું શિક્ષણ અને પ્રવાસન વિકાસ જેવા ઘણા પ્રોજેકટ સામેલ છે.

અત્રે જણાવી દઇએ કે ગેરકાયદે પ્રવૃતિઓ અને ઘૂસણખોરીની ફરીયાદો મળ્‍યા પછી ડીસેમ્‍બર ૨૦૧૭માં પીરોટન ટાપુને મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો હતો જે આ વર્ષે જાન્‍યુઆરીમાં ફરીથી ખોલવામાં આવ્‍યો છે. મુલાકાતીઓને વન વિભાગમાંથી ૩-૪ દિવસ પહેલા પરવાનગી લઇને હવે આવવા દેવાય છે. પીરોટન ટાપુ પર હાઇટાઇડના ત્રણ દિવસ દરમ્‍યાન જ જઇ શકાય છે. વન વિભાગ અત્‍યારે એક દિવસમાં વધુમાં વધુ ૧૦૦ વ્‍યકિતને અને એક ગ્રુપમાં વધુમાં વધુ ૧૦ વ્‍યકિતને પરવાનગી આપે છે. ટાપુ મુલાકાતનો સમય ફરજીયાતપણે સુર્યોદયથી સુર્યાસીનો રહે છે. સુરક્ષાના કારણોસર ફીશીંગ બોટને પરવાનગી નથી આપવામાં આવતી. અધિકારીએ કહ્યું કે મુલાકાતીઓને કોસ્‍ટ ગાર્ડ, મરીન પોલીસ અને વન વિભાગની પરવાનગી પછી જ આવવા દેવાય છે. અહીં પહોંચ્‍યા પછી તેમણે કડક ચેકીંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

(11:33 am IST)