Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં યુવા કાર્યકર્તાઓ ભારે સૂત્રોચ્ચાર કરી મહેસાણા બહુમાળી સંકુલ ગજવ્યું

કૌભાંડ આચરનાર દલાલો સામે કડક કાર્યવાહી કરવા માંગણી :કલેકટરને આવેદન અપાયું : સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર

મહેસાણા :રાજયમાં ગૌણ સેવા પસંદગી મંડળ સહિતની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો લીક કરવાના કૌભાંડને પ્રકાશિત કરી પૂરાવા રજૂ કરનાર અગ્રણી યુવાન યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં યુવા કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી બહુમાળી સંકુલ ગજવ્યું હતું.

હક્કદાર બેરોજગાર શિક્ષિત યુવાનને સરકારી નોકરીઓમાં તક મળે તે માટે લડત ચલાવતા યુવરાજસિંહ જાડેજા સામેના આરોપ પરત ખેંચી તેમને મુકત કરવા માટેની માંગણી સાથે કલેકટરને ઉદ્દેશીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવતાં શિક્ષિત બેરોજગારોમાં આક્રોશની લાગણી પ્રસરી છે. આ વિરોધ પ્રદર્શનમાં તેનો આક્રોશ પડઘાયો હતો. સરકારી નોકરીઓમાં થયેલાં ભરતી કૌભાંડોમાં જવાબદારો સામે અને ભ્રષ્ટ દલાલો સામે કાર્યવાહી કરવાના બદલે સત્ય પ્રકાશિત કરનાર યુવાનની ધરપકડ કરી સરકાર ઉપર થતા દોષારોપણથી મુકિત મેળવવાનો પ્રયાસ કરાયો છે માટે તેમની સામેની કલમો પરત ખેંચી મુકત કરવાની માંગણી બુલંદ બની છે.

(12:58 am IST)