Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

અમુલ દૂધના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહિ: આર. એસ. સોઢીનું નિવેદન

અમૂલના દૂધમાં ફરી ભાવવધારો થવાની આશંકા હટતા લોકોને હાશકારો

અમદાવાદ : સમગ્ર દેશ હાલ મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. ઈંધણના ભાવ વધતા હવે મોંઘવારી માઝા મુકશે. ગઈકાલે અમૂલના દૂધમાં ફરી ભાવવધારો કરવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. જો કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.

ડી. આર. એસ. સોઢીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હાલ દૂધના ભાવમાં કોઇ વધારો કરવામાં આવશે નહિ. તેમજ જરૂર હતી એટલે જ એક મહિના પૂર્વે ભાવના વધારો કરવામાં આવ્યો હતો. હાલના સંજોગોમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઇ જરૂર નથી. આ દરમ્યાન ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. અમૂલના વાર્ષિક ટર્ન ઓવરમાં 19 ટકાની વૃદ્ધિ થઈ છે. ગત વર્ષે અમૂલ ડેરીમાં કુલ 131 કરોડ લીટર દૂધની આવક થઈ હતી.જે ચાલુ વર્ષે વધીને 150 કરોડ લીટરે પહોંચી ગઈ છે. તો પશુપાલકોને અંતિમ ભાવની રકમમાં પણ 9.37 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવની ચુકવણી થઈ હતી ચાલુ વર્ષે પશુપાલકોને 350 કરોડથી વધુ રકમ ચુકવાઈ છે.

(10:15 am IST)