Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

મહેસાણામાં કાળઝાળ ગરમીમાં સેંકડો શિક્ષકોનાં ધરણા :જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ

માંગણી ન સંતોષાય તો આંદોલનની શિક્ષકોની ચીમકી:જિલ્લા કલેકટરને અપાયું આવેદન

 

મહેસાણા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો સહિતના ગુરુજનોએ પોલીસ હેડ કવાર્ટર બહાર વિશાળ શમિયાણો બાંધી ધરણાંનો કાર્યક્રમ યોજયો હતો.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન માટે કાળઝાળ ગરમીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોએ એક જ સૂરે માંગણી કરી હતી કે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરો. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાં પડશે.

શિક્ષક મંડળના સંયુકત ધરણાં કાર્યક્રમમાં સમાન કામ, સમાન વેતનની પણ માંગણી કરવામાં આવી હતી. પાલિકાઓનો 4200 ગ્રેડ પે મેળવવાનો અમારો હક્ક છે. જિલ્લા કક્ષાઓ ઉપર આ ધરણાંના કાર્યક્રમ યોજાયા હતા અને સરકારની બેધારી નીતિ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. એક તરફ, શિક્ષણ સ્તર સુધારવા ઉપર શિક્ષણ વિભાગ ભાર મુકી રહ્યો છે. જયારે બીજી તરફ, શિક્ષકોને જ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની લાગણી વ્યકત કરી આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. ધરણાંના કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અગ્રણીઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

(10:07 pm IST)