Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગુજરાત હાઈકોર્ટે તાત્કીલ્ક ધોરણે ઈ-ટ્રાફિક કોર્ટ નીમવા રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કર્યો

ઈ-ટ્રાફિક કોર્ટ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા પણ તાકીદ કરી: ઈ-ચલણની પ્રક્રિયાનો તાત્કાલિક અમલ ન થતો હોવાનો અરજદારનો આક્ષેપ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે ઇ-ટ્રાફિક કોર્ટને લઈને મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે ઈ-ટ્રાફિક કોર્ટ નિમવા રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે. ઈ-કોર્ટ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા પણ હાઇકોર્ટનો આદેશ છે. હાલની ઈ-ચલણની પ્રક્રિયાનો તાત્કાલિક અમલ ન થતો હોવાનો અરજદારનો આક્ષેપ છે. અરજદાર મુજબ ઈ-ચલણનો તાત્કાલિક અમલ ન થવાથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આ સાથે અરજદારે દેશમાં 17 રાજ્યોમાં ઇ-કોર્ટની સ્થાપના થઈ હોવાની માહિતી હાઇકોર્ટમાં રજૂ કરી છે.

 

આ તરફ પોલીસને લગતી બાબતો મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવેલી સુઓમોટો અરજીની સુનાવણી કરતા પોલીસ કમિશન, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે ટકોર કરી છે. આ મુદ્દે રાજય સરકારે કોર્ટમાં જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટ નારાજ છે.

 

પોલીસના કામના કલાકો, ભરતી સહિતના મુદ્દાઓ પર હાઇકોર્ટએ સુઓમોટો લીધો છે. રાજ્ય સરકારે 2017માં કુલ 28 હજાર 580 જગ્યાઓ ખાલી હોવાની માહિતી આપી હતી. હાલની સ્થિતિએ જગ્યાને લઈને યોગ્ય માહિતી સાથે સોગંદનામુ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. આ મુદ્દે 7 માર્ચે વિગતવાર સુનાવણી હાથ ધરાશે

(11:00 pm IST)