Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અંકલેશ્વરના જીતાલી ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભય

બાઇક ઉપર બે વાહન ચાલકો રાતે જીતાલી ગામના અંતરિયાળ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અચાનક દીપડો દેખાયો

ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દીપડા દેખાવાનું સામાન્ય છે. જોકે અંકલેશ્વરના જીતાલી ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે. જિલ્લાના આદિવાસી તાલુકા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં મોટા પાયે દીપડાનો વસવાટ છે. અવારનવાર દીપડા દેખાતા લોકોમાં ભય ફેલાઈ છે. દીપડા અવારનવાર માનવ વસાહતો, ઔદ્યોગિક વિસ્તારો અને ગામોમાં આવી ચઢવાના બનાવો બનતા રહે છે.

હવે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દીપડાએ દસ્તક દીધી છે. જીતાલી ગામ વાલિયા નજીક જ આવેલું છે. નજીકમાં જ સેંગપુર અને જંગલ ઝાડી ઝાંખરી રહેલા છે. બાઇક ઉપર બે વાહન ચાલકો રાતે જીતાલી ગામના અંતરિયાળ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં અચાનક દીપડો દેખાયો હતો.

 વાહન ચાલકોએ તુરંત વાહન ઉભું રાખી દીપડાનો મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ઝાડી ઝાંખરામાંથી ગામના કાચા રસ્તા ઉપર દીપડો નીકળી વાહનની લાઈટ પડતા કાચા રસ્તાની બીજી તરફ ફરી ઝાડી ઝાંખરામાં જતો રહ્યો હતો.

વાહનચાલકે ઉતરેલો દીપડાનો વિડીયો વાયરલ થવા સાથે ગામમાં દીપડો ફરતો હોવાની વાત ફેલાઈ જતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. દીપડાએ દેખા દીધી હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા જીતાલી ગામે વન વિભાગની ટીમ દોડી આવી હતી. ગામમાં મારણ સાથે પાંજરૂ મૂકી દીપડાને પકડી લેવા કવાયત હાથ ધરાઈ છે.

(9:42 pm IST)