Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ફલાયઓવરના પિલ્લર પરથી હટાવ્‍યું વીર સાવરકરનું ચિત્ર

હોબાળો થયા પછી AMCએ લીધો નિર્ણય : વીર સાવરકરનો પોર્ટેટ જોઈને રોષે ભરાયા હતા લોકોઃસોશ્‍યલ મીડિયા પર AMCની ખૂબ ટીકા કરવામાં આવી

અમદાવાદ,તા.૮: મહાત્‍મા ગાંધીની થીમ પર ફલાયઓવરનું સુશોભન કરવાનુ હતું, પરંતુ લોકોએ જયારે જોયું કે તેના પર વીર સાવરકારની તસવીર મૂકવામાં આવી રહી છે તો લોકો રોષે ભરાયા હતા. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરીની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ. ખાસકરીને ગાંધીવાદી લોકોએ આ બાબતને વખોડી હતી. લોકોનો આક્રોશ જોઈને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને તે ચિત્ર હટાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મ્‍યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને પબ્‍લિસિટિ વિભાગને આ સમગ્ર પ્રકરણ બાબતે ઠપકો પણ આપ્‍યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ પાસેથી પસાર થતો આ ફલાયઓવર ૫૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યો હતો જેનું ઉદ્‍ઘાટન ૩ વર્ષ પહેલા કરવામાં આવ્‍યુ હતું. જયારે આ ફલાયઓવર પર વીર સાવરકરનું ભીંતચિત્ર તૈયાર કરવામાં આવ્‍યું તો સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ પણ નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

તુષાર ગાંધીએ ટ્‍વિટર પર લખ્‍યું કે, સાવરકરે ગાંધીનું સ્‍થાન લઈ લીધું છે. હવે તમે ચલણી નોટો પરથી પણ ગાંધીના સ્‍થાને સાવરકરની તસવીર મૂકશો? તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ઈનકમ ટેક્‍સ ફલાયઓવરની થીમ મહાત્‍મા ગાંધી હતી. અહીં કોર્પોરેશન દ્વારા વીર સાવરકર, બી.આર. આંબેડકર, અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર આઝાદ અને સ્‍વામી વિવેકાનંદના પોર્ટેટથી ભીંતોનું સુશોભન કરવામાં આવ્‍યુ હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ જેની સ્‍થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી, તેની બહારથી પસાર થતા ફયાઓવરની દીવાલ પર ગાંધીજીના ચશ્‍મા દોરવામાં આવ્‍યા હતા. તેમજ ગાંધીજીના ચહેરાના આઉટલાઈન્‍સ વાળા ચિત્ર તૈયાર કરવામાં આવ્‍યા હતા.

AMCના એક સૂત્રએ જણાવ્‍યું કે, AMCની સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ના ભાગરુપે સ્‍વાતંત્ર્ય સેનાનીઓના પોર્ટેઈટ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. માત્ર વીર સાવરકર જ નહીં, દેશની આઝાદીની ચળવળમાં ભાગ લેનારા અન્‍ય ઘણાં મહાનુભાવોની તસવીર ફલાયઓવરના પિલ્લર પર લગાવવાની હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિદ્યાપીઠ પાસે જે ચાર રસ્‍તા છે ત્‍યાં પહેલા વિશ્વ પ્રસિદ્ધ શિલ્‍પકાર શ્રી કાંતિભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સ્‍થાપિત કરવામાં આવી હતી. દશકાઓ સુધી તે પ્રતિમા ત્‍યાં રહી હતી. જયારે ફલાયઓવર બન્‍યો તો પ્રતિમા ઢંકાઈ ગઈ હતી, જેનો પણ ગાંધીવાદી લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો. અને પછી આ રીતે પિલ્લર પર વીર સાવરકરની તસવીરો જોઈને તેમનો આક્રોશ વધી ગયો હતો. લોકોની દલીલ છે કે, વીર સાવરકરે ગાંધીજીની હત્‍યાને યોગ્‍ય જણાવી હતી. તો ગાંધી વિરોધી વ્‍યક્‍તિની તસવીર ગાંધીજી દ્વારા સ્‍થાપિત સંસ્‍થાની બહાર લગાવવી એ એક મજાક છે.

(9:48 am IST)