Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડોદરામાં હાથીખાના મસાલા બજારમાં મહાપાલિકાનું ચેકીંગઃ ભેળસેળીયા તત્ત્વો સામે ઝુંબેશથી ફફડાટ

વડોદરા : આરોગ્ય વિભાગની સૂચનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હાથીખાના મરચું-મસાલા બજારમાં એકાએક ચેકીંગ હાથ ધર્યું છે. જેના લીધે ભેળસેડીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, હિંદુ ધર્મના પવિત્ર તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ભેળસેડીયા તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.

આજ રોજ ગાંધીનગર આરોગ્ય વિભાગની સૂચના અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં ફૂડ ઈન્સ્પેક્ટર અને તેઓની ટીમે વડોદરાનાં સૌથી મોટા બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે. હાથીખાનામાં આવેલા મરચું-મસાલાના વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે હાલ પૂરતું મસાલા બજારમાં ચેકીંગ હાથ ધર્યું છે અને કાળી મરીમાં ભેળસેળ થતું હોવાની આશંકાએ તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

અત્રે, ઉલ્લેખનીય છે કે તહેવારો નજીક હોવાંને કારણે વડોદરા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. દિવાળી નજીક આવવા જઇ રહી હોવાંથી ઠેર-ઠેર મીઠાઇની દુકાનો તેમજ વિવિધ મસાલા બજારમાં કોઇ પણ પ્રકારની ભેળસેળ ના થાય તે હેતુસર શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. જો કે ચેકિંગ દરમ્યાન મીઠાઇ કે મસાલા બજારમાં કોઇ પણ પ્રકારની ભેળસેળ જણાઈ આવે તો તેને સીલ મારવાની કાર્યવાહી સાથે નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં 1 ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ડેટ ફરજિયાત લખવાની વાત કરાઇ છે. રાજ્યમાં અનેક મીઠાઇ અને ફરસાણની દુકાનો આવેલી છે. જ્યાં વેચાઇ રહેલા મીઠાઇનાં બોક્સ અને પેકેટ પર હવેથી ફરજિયાત બેસ્ટ બી ફોર ડેટ લખવી પડશે. જેનો અમલ આજથી જ કરાશે.

જો કે આ નિર્ણય બાદ વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી તેઓએ સ્ટાફ વધુ રાખવો પડશે તેમજ ગ્રાહકો જ જો જાતે મીઠાઇ ચાખીને લઇ જતા હોય તો પછી બેસ્ટ બી ફોર ડેટ લખવાનો કોઇ અર્થ નથી.

(4:46 pm IST)