Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજપીપળામાં ધોરણ 12ની પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થીનીને મો.સા.પર બેસાડનારે છેડછાડ કરતા યુવતી ચાલુ મો.સા એ કુદી પડતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાના દેડીયાપાડા તાલુકાના કમોદવાવ ગામની યુવતી ઘરેથી ધોરણ-૧૨ ની પુરક પરીક્ષા આપવા પોતાના ગામ કમોદવાવથી મામાના છોકરાની મોટર સાઇકલ ઉપર બેસી એન,બારોટ શાળા દેડીયાપાડા ખાતે આવી ત્યાંથી પરીક્ષાની ટિકિટ મેળવી દેડીયાપાડા બસ સ્ટેશન આવેલ અને ત્યાર બાદ તેનો ભાઇ આવતા આજ મોટર સાઇકલ પર તે પરીક્ષા આપવા રાજપીપળા આવવા મોટર સાઇકલ લઇ નિકળેલા તે દરમ્યાન ઘાટોલી ગામ ખાતે આવતા તેની મોટર સાઇકલ પંચર થતા આ યુવતીને તેનો ભાઇ ઘાટોલી બસ સ્ટેશન ખાતે રોડ ઉપર ઉતારીને પંચર બનાવવા ગાજરગોટા ગામ તરફ ગયેલો

   તે દરમ્યાન એક અજાણ્યો વ્યક્તિ ત્યાં ઉભો હોય જેથી યુવતીને પુછેલ કે તમારે કયાં જવું છે તેમ પુછતા ફરીયાદીએ જણાવેલ કે મારે રાજપીપળા પરીક્ષા આપવા જવાનું છું પરંતુ મારો ભાઇ પંચર બનાવવા ગયેલા છે. તેમ જણાવેલ તે દરમ્યાન ત્યાંથી ઘાટોલી ગામ તરફથી એક મોટર સાઇકલ સવાર આવતા યુવતીની નજીકમાં ઉભેલ વ્યક્તિએ મોટર સાઇકલ ચાલકને ઉભો રાખી આ મોટર સાઇકલ વાળો રાજપીપળા જાય છે તમે બેસી જાવ તેમ કહેતા અજાણ્યો મોટર સાઇકલ ચાલક પાછળ યુવતી બેસી ગયેલ અને નાના લીમટવાડા ગામ આવતા અજાણ્યા મો.સા.ચાલકે ચાલુ મો.સા.એ આ યુવતીનો હાથ પકડી જણાવેલ કે તું મારી સાથે મળવા આવીશ તો તને હું પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા આવીશ તેમ કહી શારીરીક છેડછાડ કરતા યુવતી ગભરાય જતા ચાલુ મોટર સાઇકલે રોડ ઉપર કુદી ગયેલ જેથી તેને ઇજાઓ થતા અજાણ્યો વ્યક્તિ તેની મોટર સાઇકલ લઇ નાસી છૂટ્યો હતો.

  ત્યારબાદ આ યુવતીએ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી અજાણ્યા મો.સા. ચાલાક ની તપાસ હાથ ધરી છે.તપાસ રાજપીપળા પો.સ્ટે.ના પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.

(10:43 pm IST)