Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહિલા ડૉક્ટરનો ન્યૂડ વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી

દોઢ મહિના બાદ ફરિયાદ નોંધાઈ : નારોલમાં હોસ્પિટલ ચલાવતા મહિલા ડૉક્ટરને ઉપાડી જઈ વીડિયો બનાવવાની સ્થાનિક લુખ્ખાઓએ ધમકી આપી

અમદાવાદ,તા.૭ : લેડી ડૉક્ટરે ગર્ભવતી મહિલાની સારવાર પેટે બીલની રકમ માંગતા 'અમે ડોન છીએ. બીલ આપતા નથી. ખંડણી ઉઘરાવીએ છીએલ્લ તેમ કહી ધમકી આપી હતી. અમદાવાદના નારોલ વિસ્તારમાં હોસ્પિટલ ચલાવતા એક મહિલા ડૉક્ટરને ઉપાડી જઈ તેમનો ન્યૂડ વીડિયો બનાવવાની સ્થાનિક લુખ્ખાએ અને તેના સાગરિતોએ ધમકી આપી છે. ગત ઓગસ્ટ મહિનામાં બનેલી આ ગંભીર ઘટનાની ફરિયાદ નોંધવાના બદલે નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીએ લેડી ડૉક્ટરનું અનેક વખત અપમાન કર્યું હતું. નારોલના પીએસઆઈ ફુલધરાએ આરોપી આમિરખાનની હાજરીમાં લેડી ડૉક્ટરને ધમકાવ્યા હોવાનો આરોપ છે. વટવા તસ્લીમ સોસાયટીમાં રહેતી ગર્ભવતી મહેરીનબાનુ આમીરખાન પઠાણ ગત ૧૭ ઓગસ્ટના રોજ ગંભીર હાલતમાં નારોલની હોસ્પિટલમાં દાખલ થઈ હતી. હોસ્પિટલમાં એડમીટ થયેલી મહેરીનબાનુના અગાઉ ત્રણ સિઝેરિયન થઈ ચૂક્યા હતા.

              ગર્ભવતી મહેરિનનું સિઝેરિયન કરવામાં આવ્યું અને માતા તેમજ સંતાનને બચાવી લેવાયા હતા. ૨૦ ઓગસ્ટના રોજ મહેરિનનો પતિ આમીર પઠાણ અને તેના બે-ત્રણ સાગરિતો હોસ્પિટલમાં આવ્યા હતા અને ગાળો બોલતા હતા. હોસ્પિટલના મહિલા ડૉક્ટર મેઘાબહેને (નામ બદલ્યું છે) આમીરને શાંત થવાનું તેમજ ગાળો નહીં બોલવાનું કહેતા આમીર પઠાણે પૈસા નથી આપવાના તેમ કહ્યું હતું. મેઘાબહેને બીલની રકમ માંગતા તેમને ઉપાડી જઈ ન્યૂડ વીડિયો બનાવી વાઈરલ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તલવારબાજી કરતો એક વીડિયો લેડી ડૉક્ટરના વ્હોટ્સએપ પર મોકલવી "અમે ડોન છીએ. બીલ આપતા નથી. ખંડણી ઉઘરાવીએ છીએ" તેમ કહી મહિલા દર્દીને લઈને જતા રહ્યા હતા. આ ગંભીર ઘટના બાદ લેડી ડૉક્ટરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. જો કે, ફરિયાદ નોંધવાના બદલે અરજી લઈ દોઢ મહિના સુધી નારોલ પોલીસ તપાસનું નાટક કરતી રહી. દરમિયાનમાં લેડી ડૉક્ટરને ડરાવવા માટે લુખ્ખાઓ તેમનો બાઈક પર પીછો કરતા હતા. આખરે લેડી ડૉક્ટરે અમદાવાદ પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા દોઢ મહિને નારોલ પોલીસે ફરિયાદ તો નોંધી પરંતુ તેમનું અપમાન કરવામાં પણ કાંઈ બાકી ના રાખ્યું. લેડી ડૉક્ટરે કરેલા આક્ષેપ સંદર્ભે નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ફુલધરાએ જણાવ્યું છે કે, આ તમામ આરોપ ખોટા છે.

(9:24 pm IST)