Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2024

રૂપાલા થી નારાજ નેતાઓએ જ આંદોલન ભડકાવ્યું, બે મહિલા-બે પુરુષ અને એક યુવા આગેવાન ને આંદોલન ભડકાવવા મદદ મળી

:ગુપ્તચર એજન્સી પાસે સ્ફોટક માહિતી : ગુજરાતી ચેનલ ટીવી નાઇન

અમદાવાદ : રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની વિરુદ્ધમાં આંદોલનને ઉગ્ર બનાવવા માટે ભાજપના જ નેતાનો હાથ હોવાનું સામે આવતા રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે. અમદાવાદમાં  ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચે યોજાયેલી બેઠક અનિર્ણાયક રહેતા, સરકારની ગુપ્તચર એજન્સી કામે લાગી હતી. ગુપ્તચર એજન્સીએ, ક્ષત્રિય આંદોલન પાછળ દોરીસંચાર કરનારાને ખુલ્લા પાડવાનો પ્રયાસ કર્યો છે.

સૌરાષ્ટ્રના રાજકોટથી શરુ થયેલ, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની વિરુદ્ધનું આંદોલન રાજ્યવ્યાપી બનાવવા માટે ભાજપના જ નેતાનો હાથ હોવાનું સામે આવ્યું છે. ગુપ્તચર એજન્સીએ કરેલી તપાસમાં, એક આઈપીએસ અધિકારી અને ભાજપના નેતાનુ જોડાણ સામે આવતા સરકાર ચોંકી ઉઠી છે. સરકાર માટે દ્વિધા છે કે, ચૂંટણી ટાણે આંદોલનને ભડકાવવામાં વરવી ભૂમિકા ભજવનારા નેતા સામે આકરા પગલા ભરવા કે રુપાલાની સામે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને ડામવું.

સૂત્રોએ ગુપ્તચર એજન્સીના અહેવાલોને ટાંકિને જણાવ્યું હતું કે, 2 મહિલા અને 2 પુરુષ અને 1 યુવા આગેવાનને આંદોલન ભડકાવવા માટે આર્થિક મદદ પુરી પાડવામાં આવી છે. પરશોત્તમ રુપાલા વિરુદ્ધ આંદોલન ચલાવતા ક્ષત્રિય નેતાઓ પૈકી કેટલાકને, આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને રાજ્યવ્યાપી કરવા માટે કેટલાકને આર્થિક મદદ કરવામા આવી રહી છે.

 ગુજરાત પોલીસ પાસે, ક્ષત્રિય આંદોલનને ગેરમાર્ગે દોરવનારાઓની રજેરજની માહિતી હોવાનું સામે આવ્યું છે.

   
(9:53 pm IST)