Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ICAIની અમદાવાદ બ્રાંચને બેસ્ટ બ્રાંચના બે એવોર્ડ મળ્યા

અમદાવાદ બ્રાંચે દેશભરમાં નામ રોશન કર્યુ : સીએ મેમ્બર્સ-સ્ટુડન્ટસ(વિકાસા) માટે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ દેશની બ્રાંચોમાંથી અમદાવાદ બ્રાંચે બંને એવોર્ડઝ

અમદાવાદ,તા. ૮ : ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની અમદાવાદ બ્રાંચને આઇસીએઆઇ, નવી દિલ્હી દ્વારા બેસ્ટ બ્રાંચના બે એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા છે. સીએ મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ(વિકાસા) માટે ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ દેશભરની બ્રાંચોમાંથી આઇસીએઆઇ, અમદાવાદ બ્રાંચને બેસ્ટ બ્રાંચ તરીકેના બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. આમ, અમદાવાદ બ્રાંચે દેશભરમાં નામ રોશન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ બ્રાંચે તેની ૧૯૬૨માં સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીમાં દેશમાં સૌપ્રથમવાર મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ માટેના બંને બ્રાન્ચ એવોર્ડઝ જીતીને અનોખી સિધ્ધિ હાંસલ કરી છે એમ અત્રે આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં સીએની ૧૬૨ જેટલી બ્રાંચો છે અને તેમાંય પાછી કેટલીક બ્રાંચો મેગા કેટેગરી અને લાર્જ કેટેગરીમાં સમાવેશ પામે છે. બેસ્ટ બ્રાંચના એવોર્ડઝ માટેનું મૂલ્યાંકન મેમ્બર્સ, સ્ટુડન્ટ્સ, સામાજિક પ્રદાન, આર્થિક શિસ્ત, વહીવટી કાર્યદક્ષતા અને અન્ય વિવિધ પરિબળો સહિતના મુદ્દાઓને આવરી લેતા એકીટવીટી રિપોર્ટના મૂલ્યાંકનના આધારે થતું હોય છે અને આ તમામ પાસાઓમાં અમદાવાદ બ્રાંચે આ વખતે મેદાન માર્યું છે. આઇસીએઆઇની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચને મેગા કેટેગરીમાં બેસ્ટ બ્રાંચ અને આઇસીએઆઇની વિકાસાની અમાદવાદ બ્રાંચને લાર્જ કેટેગરીમાં બેસ્ટ બ્રાંચના એવોર્ડઝ મળ્યા છે. અમદાવાદ બ્રાંચને મેમ્બર્સ માટે છેલ્લા પાંચ વર્ષમાં બેસ્ટ બ્રાંચ ફોર મેમ્બર્સ એવોર્ડ ૪થી વખત મળ્યો છે. સીએ ચિંતન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, નવી દિલ્હી ખાતે આઇસીએઆઇ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો પી.યુ.ચૌધરી, પિયુષ ગોયેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચને મેમ્બર્સ અને સ્ટુડન્ટસ્ માટેના બંને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિધ્ધિને લઇ અમદાવાદનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન થવા સાથે લોકોજનો માટે ખાસ કરીને સીએ ફેકલ્ટી માટે ગૌરવની વાત છે.

(8:17 pm IST)