Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ભાભીએ તેની માતા સાથે મળી નણંદને જીવતી સળગાવી દીધી

બહેરામપુરા વિસ્તારના બનાવથી જબરદસ્ત ચકચાર : દાણીલીમડા પોલીસે ભાભી અને તેની માતા વિરૂધ્ધ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી લીધી : વધુ તપાસ જારી

અમદાવાદ,તા. ૮ : શહેરના બહેરામપુરા વિસ્તારમાં અલ્લાહનગર ખાતે ભાભીએ તેની માતા સાથે મળી પોતાની નણંદને જીવતી સળગાવી દેવાના ચકચારભર્યા પ્રકરણમાં ગંભીર રીતે દાઝી ગયેલી નણંદનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયું હતું. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે પણ આરોપી ભાભી અને તેની માતાની વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બહેરામપુરા વિસ્તારમાં અલ્લાહનગર ખાતે રહેતી મહેરૂન્નીશા બશીરખાન પઠાણના લગ્ન ૨૦૦૩માં મકસુદભાઇ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન સોનુ નામનો એક પુત્ર પણ જન્મ્યો હતો. જો કે, લગ્નના પાંચ વર્ષ બાદ મકસુદભાઇએ મહેરૂન્નીશાને તલાક આપી દીધા હતા. તલાક બાદ મહેરૂન્નીશા તેમના પુત્ર સોનુ સાથે પિયરમાં જ માતા કમરૂન્નીશા સાથે રહેવા લાગ્યા હતા. મહેરૂન્નીશાનો સૌથી નાનો ભાઇ રિયાઝખાન તેની પત્ની અલ્લારખીબાનુ સાથે અહીં જ રહેતો હતો. દરમ્યાન બે દિવસ પહેલાં બપોરના સમયે પારિવારિક તકરારમાં ભાભી અલ્લારખીબાનુ નણંદ મહેરૂન્નીશાના ત્યાં આવી તેની સાથે ઝઘડો કરવા લાગી હતી. બંને વચ્ચે ઝઘડો વધતાં ઉશ્કેરાયેલી ભાઇ અલ્લારખીબાનુએ તેની માતા ઝુબેદાબાનુ સલીમખાન પઠાણને ફોન કરી બોલાવી હતી. ભાભી અને તેની માતાએ ભેગા મળી નણંદ મહેરૂન્નીશા સાથે જોરદાર ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી જઇ ઘરમાં પડેલું કેરોસીનનું ડબલુ ઉપાડી તેમાંથી કેરોસીન મહેરૂન્નીશા પર છાંટી તેને આગ ચાંપી દીધી હતી. આગની જવાળાઓમાં લપટાયેલી મહેરૂન્નીશાએ જોરદાર ચીસાચીસ કરી મૂકતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેણીને તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નણંદને જીવતી સળગાવ્યા બાદ ભાભી અને તેની માતા ફરાર થઇ ગયા હતા.

બનાવની જાણ થતાં દાણીલીમડા પોલીસે પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ગંભીર રીતે દાઝી ગયેલી મહેરૂન્નીશાનું નિવેદન પણ લીધુ હતુ, જેના આધારે ભાભી અલ્લારખીબાનુ અને તેની માતા ઝુબેદાબાનુ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી ગઇકાલે તેમની ધરપકડ કરી લેવાઇ હતી. દરમ્યાન ગંભીર રીતે દાઝી ગયેલી નણંદ મહેરૂન્નીશાનુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:37 pm IST)